________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા: ૬
૫૦૭
અસંખ્ય પાત્રો, ઘટનાઓ અને માનવીનાં સારાં-ખોટાં વલણોનાં પ્રતીતિકર નિરૂપણોથી સમૃદ્ધ અને અમર બનેલ મહાભારતનું રશિયન ભાષામાં ભાષાંતર કરવાની અંત:પ્રેરણા, એક રશિયન વિદ્યાપુરુષને છએક દાયકા પહેલાં થઈ, અને વર્ષો સુધી અવિરત જહેમત ઉઠાવીને એમણે એ વિરાટ કાર્ય પૂરું પણ કર્યું. હવે તો તેની બીજી આવૃત્તિ થોડા સમયમાં પ્રગટ થવાની છે; એ પ્રસંગને અનુલક્ષીને આ ભાષાંતરની પહેલી આવૃત્તિ કેવી રીતે, કોના હાથે તૈયાર થઈ હતી, એની કેટલીક માહિતી “ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' અંગ્રેજી દૈનિક (અમદાવાદ આવૃત્તિ)ના તા. ૧૨-૭-૧૯૭૭ના અંકમાં પ્રગટ થઈ છે. સાહિત્યિક પુરુષાર્થની વીરગાથા જેવી આ માહિતી જાણવા અને પ્રેરણા લેવા જેવી હોવાથી અહીં એ સાભાર રજૂ કરીએ છીએ :
આજથી ૬૦ વર્ષ પહેલાં, સને ૧૯૧૭ના ઓક્ટોબર માસમાં રશિયામાં મહાન રાજ્યક્રાંતિ થઈ અને ઝંઝાવાત જેવો સત્તાપલટો થયો એ જ વર્ષની આ વાત છે. એ વખતે એક વાર રશિયાના એક ડૉક્ટરને રેલ્વેના છેલ્લા સ્ટેશને સંસ્કૃત-રશિયન શબ્દકોશનું પુસ્તક મળી આવ્યું – કોઈક વિદ્વાન પોતાનું આ પુસ્તક ત્યાં ભૂલી ગયા હતા.
એ ડૉક્ટરનું નામ બોરિસ સ્મિોંવ (Boris Smirnov). ત્યારે એમની ઉંમર ફક્ત પચીસ વર્ષની જ હતી. એમણે કુતૂહલથી પુસ્તક જોવા માંડ્યું, અને જેમ જેમ તેઓ એ જોતા ગયા, તેમતેમ એમને એમાં ઊંડો રસ પડવા લાગ્યો. જોગાનુજોગ એવું બન્યું કે એ વખતે સ્ટેશનમાં મુસાફરોની ગિરદી અપાર હતી અને ગાડીઓ વખતસર દોડતી ન હતી. આવી પરિસ્થિતિ જોઈને ડો. સ્મિોંવ માલ-સામાનના ટેબલ નીચે બેસવા જેવી ખાલી જગા જોઈને ત્યાં ગોઠવાઈ ગયા, અને એ પુસ્તકનાં પાનાં શાંતિ અને એકાગ્રતાથી ઉથલાવવા લાગ્યા; મુસાફરોનો ઘોંઘાટ પણ એમના વાચનમાં ખલેલ ન પાડી શક્યો !
તેઓ જેમજેમ સંસ્કૃત શબ્દો અને એનું ભાષાંતર) વાંચતા ગયા તેમ તેમ એમને એમાં ખૂબ મધુરતાનો અનુભવ થતો ગયો. એમની ગાડીને આવતાં પૂરા ત્રણ દિવસ વીતી ગયા ! એટલા વખતમાં એમણે સંસ્કૃત ભાષાના એકસો શબ્દો શીખી લીધા હતા.
આ પછી તો કેટલાંય વર્ષ એમ ને એમ વીતી ગયાં, પણ પછી એક વાર હિંદુસ્તાનમાં પ્રકાશિત થયેલ મહાભારતનો ગ્રંથ એમના હાથમાં આવ્યો. એનું વાચન કરતાં એમને લાગ્યું કે પોતે એ મૂળ ગ્રંથ સહેલાઈથી વાંચી શકે છે, અને એને સમજવા માટે રશિયન ભાષાના શબ્દો જાણે આપમેળે જ મળી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org