________________
પર૦
જિનમાર્ગનું અનુશીલન શિલ્પ-સ્થાપત્યનું બરાબર જતન થાય એ રીતે કામ કરવાની નવીન દૃષ્ટિને અપનાવી છે, તેમ આપણાં મંદિરોને અત્યારે ગમે તેવાં ચિત્રોથી સુશોભિત કરવામાં આવે છે તેના બદલે એ માટે પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોને આધારે સુંદર અને કળામય ચિત્રો તૈયાર કરાવવાનો જે નવો ચીલો પાડ્યો છે તે માટે એને ખૂબ ધન્યવાદ ઘટે છે.
તાજેતરમાં પેઢીએ શત્રુંજયના શ્રી પુંડરીકસ્વામીના દેરાસર માટે ભ. ઋષભદેવના જીવન-પ્રસંગો આલેખતાં છ ફૂટ લાંબાં અને ચાર ફૂટ પહોળાં છ મનોહર ચિત્રો પ્રાચીન ગ્રંથસ્થ ચિત્રોને આધારે તૈયાર કરાવ્યાં છે. પેઢીએ હીરાજડિત મુગટો વગેરે તૈયાર કરાવ્યાની અને જનતાનાં દર્શન માટે એ ખુલ્લા મૂક્યાની વાત જાણીતી છે; પણ ચિત્રકળાને સજીવન કરવાનો આવો પ્રયત્ન કદાચ પેઢીના ઇતિહાસમાં પહેલો જ હશે.
વિશેષ આનંદની વાત તો એ છે કે પેઢીએ આવાં સુંદર ચિત્રો તૈયાર કરાવીને સીધે-સીધાં એમને મંદિરમાં મૂકી દેવાને બદલે એના પ્રદર્શનનો સમારંભ યોજીને એક બાજુ કળા અને કળાકારનું બહુમાન કર્યું, બીજી બાજુ જાહેર જનતાને આ કલાકૃતિઓનાં દર્શન અને મૂલ્યાંકન કરવાની અને સાથેસાથે એ સંબંધમાં કોઈને કંઈ પણ કહેવાસૂચવવાની તક પૂરી પાડી.
ભ. ઋષભદેવના જીવનની ઝીણીઝીણી વિગતો ચીવટપૂર્વક એકત્રિત કરીને, પ્રાચીન-ગ્રંથસ્થ જૈન ચિત્રકળાને આધારે આ ચિત્રોનું કલા-સંવિધાન કરવાની જે મહેનત શ્રીમતીબહેન ટાગોરે અને શ્રી ગોપેન રોયે ઉઠાવી છે તે માટે બંને કલાકારોને અભિનંદન ઘટે છે. શ્રીમતીબહેન ટાગોર અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ હઠીસિંહ કેસરીસિંહના કુટુંબનાં પુત્રી અને કલકત્તાના જાણીતા ટાગોર-કુટુંબનાં કુળવધૂ છે.
પ્રદર્શન-ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કસ્તૂરભાઈએ કહ્યું તેમ, આ ચિત્રો તૈયાર કરાવવામાં પૂ. મુ. શ્રી. પુણ્યવિજયજીએ ઘણી મહેનત લીધી છે. એક બાજુ તેઓશ્રીએ ભ. ઋષભદેવના જીવનને લગતી આધારભૂત માહિતી તેમ જ પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોની સામગ્રી પૂરી પાડીને બંને ચિત્રકારોનું કામ સરળ બનાવી એમને પ્રેરણા આપી, અને બીજી બાજુ કળાને અને કળાકારને ભૂલી ગયેલા જૈન સમાજને માટે કળાને સજીવન કરવાનો તેમ જ તેનું સ્વાગત કરવાનો અવસર ઉપસ્થિત કર્યો.
આ ચિત્રોનું અવલોકન કર્યા બાદ શાસ્ત્ર, પરંપરા કે કળાની દૃષ્ટિએ કોઈને કંઈ કહેવાનું હોય, તો, જો તે વિવેકપૂર્વક અને વિધાયક રીતે સૂચવવામાં આવે, તો બંને કળાકાર બહેન-ભાઈ તેમ જ પેઢીના આગેવાનો જરૂર તેનું સ્વાગત કરશે, અને એના આધારે ચિત્રોમાં શક્ય હોય તેટલો ફેરફાર પણ કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org