________________
પ૨૩
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૧ શ્રી ગોકુળદાસ કાપડિયાએ “શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ' નામે ભ. મહાવીસ્વામીના જીવન-પ્રસંગો આલેખતાં સુંદર અને કળાપૂર્ણ ચિત્રોનો એક સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહમાં ભ. મહાવીરની દીક્ષા સુધીનાં, શાસ્ત્ર અને પરંપરાને માન્ય રહે અને છતાં કળાનાં મધુર દર્શન કરાવે એવાં પંદર ચિત્રો આપવામાં આવ્યાં હતાં. વિશેષ નોંધપાત્ર વાત તો એ હતી, કે જન્મ જૈન નહીં એવા કળાકારે કળાની ઉપાસના અને ભ. મહાવીર પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને, વર્ષો લગી ખૂબ જહેમત ઉઠાવીને અને ભગવાન મહાવીરની ધર્મભૂમિમાં જાતે ફરીને, તેમ જ ઊછીનું નાણું લઈને, પોતાને ખર્ચે આ ચિત્રો દોરીને એનો ચિત્રસંપુટ છપાવીને તૈયાર કર્યો હતો. એ ચિત્રકળાને તેમ જ એના કળાકારને પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી જેવા કલાપારખુ સાધુપુરુષના આશીર્વાદ અને અભિનંદન પણ સાંપડ્યાં હતાં. વળી તે જ વખતે શેઠ આ. ક. ની પેઢીના પ્રમુખશ્રી તથા તેના વહીવટદાર પ્રતિનિધિ સદ્દગૃહસ્થોનું આ વાત તરફ યોગ્ય રીતે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. છતાં તે વખતે એનું સ્વાગત કે અભિનંદન કરવાનો કોઈના દિલમાં ઉમળકો ન આવ્યો, અને બધાએ ઠંડા કલેજે એક સામાન્ય બનાવ તરીકે એ વાત તરફ કેવળ ઉપેક્ષા જ સેવી – એ વાત આજે પણ ગ્લાનિ ઉપજાવે છે.
કળા પ્રાચીન હોય કે અર્વાચીન; કળા એ કળા છે, અને એનું એ રીતે જ મૂલ્યાંકન થવું ઘટે. આજે જેને આપણે પ્રાચીન કળા ગણતા હોઈએ, એ પણ કોઈક કાળે તો અર્વાચીન જ હતી; અને આજની અર્વાચીન ગણાતી કળા ભવિષ્યમાં પ્રાચીન ગણાવાની છે. એટલે છેવટે કળાની દષ્ટિએ નહીં તો કળાકારની ભ. મહાવીર પ્રત્યેની ઉત્કટ ભક્તિને કારણે પણ આપણી પેઢીએ અને જૈનસંઘે ભાઈશ્રી ગોકુળદાસ કાપડિયાનું બહુમાન કરવું જોઈતું હતું. આપણે આપણી કદરદાનીમાં ચૂક્યા તેથી ભાઈ કાપડિયા કરતાં વિશેષ નુકસાન તો આપણને પોતાને જ થયું છે : ભ. મહાવીરની દીક્ષા પછીનાં એમની ખરેખરી જીવનસાધનાનાં બાકીનાં ચિત્રોથી આપણે વંચિત રહ્યા. અમે આને કાંઈ જેવું-તેવું નુકસાન નથી માનતા. ઇચ્છીએ કે મોડેમોડે પણ બાકીનાં ચિત્રો ભાઈ કાપડિયા પાસે તૈયાર કરાવી લઈએ.*
પણ ભૂતકાળમાં જે થયું એના માટે ઝાઝો અફસોસ કરવાની કે પેઢીના આગેવાનોનો વિશેષ દોષ કાઢવાની પણ જરૂર નથી. એમ માનીએ કે કદાચ એ વખતે કળાની અને કળાકારની કદર કરવાનો વખત નહીં પાક્યો હોય.
* આગળ ઉપર કલાભિજ્ઞ મુનિવર્યશ્રી યશોવિજયજીના અદમ્ય પુરુષાર્થથી જૂન, ૧૯૭૪માં આ બાકી ચિત્રો તૈયાર થઈ શક્યાં હતાં. તે અંગેનો તે વખતે લખાયેલો અગ્રલેખ આ વિભાગમાં જ અગાઉ આપ્યો છે. – સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org