________________
પર૬
જિનમાર્ગનું અનુશીલન કથા સંકલનરૂપ હોવા છતાં તે એવા સળંગ સૂત્રે પ્રવાહબદ્ધ રીતે ચાલી જાય છે કે ક્યાંય એમાં ખાંચ-ખેંચ કે અવરોધ જણાતો નથી; જાણે મનોહર નૌકામાં શાંત સરોવરનો વિહાર કરતા હોઈએ એવો આનંદ એમાં અનુભવાય છે. અને એની ભાષા એવી પ્રૌઢ, ગંભીર, છતાં એવી સરળ અને અસ્મલિત છે કે જાણે આ પુસ્તક ભાષાનો એક ઉત્તમ નમૂનો બની રહે છે. અને ગ્રંથની શૈલી તો જાણે એને સંપાદન નહીં, પણ મૌલિક સર્જન જ કહેવા પ્રેરે છે. વર્ણન રોચક, છતાં લખાણ પ્રમાણસર - ન એક શબ્દ વધારે કે ન એક શબ્દ ઓછો!
અમે આ ગ્રંથની આલોચના કે પ્રશંસા માટે આ લખતા નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે પ્રત્યેક જૈન ભાઈ-બહેન, સાધુ-સાધ્વી આ ગ્રંથ જરૂર વાંચે.
આ ગ્રંથ વાંચવાથી સળંગ મહાવીર-જીવનનું દર્શન કર્યાનો તો લાભ છે જ; ઉપરાંત બીજા પણ લાભો એમાં રહેલા છે.
જેઓને મહાવીર-જીવનની વિગતો અંગે વિશેષ જિજ્ઞાસા ન હોય એવા આપણા સાધુ-મુનિરાજોને પણ ભગવાનનું કે આપણા મહાપુરુષોનું જીવન કેવી શૈલીમાં રચવાની અત્યારે જરૂર છે તે સમજાશે. જેઓ પ્રાચીન ગ્રંથોના સંપાદન કે ભાષાંતરોમાં રસ ધરાવતા હશે તેમને એનો પણ ઉત્તમ નમૂનો જોવા મળશે. જેઓને ગુજરાતી ભાષાનું બળ કેટલું છે એ જોવું હશે એને એ જોવા મળશે.
અને સૌથી મોટો લાભ તો એ છે કે અહીં ભ, મહાવીરના જીવનને લગતી બધી સામગ્રીનું સંકલન એક જ સ્થળે સળંગ સરસ રીતે થયું છે. આ પુસ્તક અંગે પોતાના નિવેદનમાં એના વિદ્વાન સંપાદકશ્રી લખે છે :
પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ “મહાવીર-કથા'નો જન્મ થયો છે. મુખ્યત્વે જૈન અને તત્કાલીન બૌદ્ધ તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકો જોતાં, મહાવીરને અંગે જે કંઈ મળ્યું તે વણી લઈને, તેને સળંગ કથારૂપે સાંકળી આપવાનો આમાં પ્રયત્ન છે. આથી “બુદ્ધલીલા' જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રોચક શૈલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી, એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે.”
અમે તો અહીં ફરી પણ વિનવીએ છીએ કે સૌ કોઈ આ કથા જરૂર વાંચે. કોઈ પૂર્વગ્રહ, કદાગ્રહ કે અજ્ઞાનને વશ થઈને આપણે આવા ગ્રંથ પ્રત્યે ઉપેક્ષા સેવીશું તો તેથી કેવળ એવી ઉપેક્ષા સેવનારને જ ખોટ જવાની છે. આ પુસ્તક વાંચનારને કંઈક ને કંઈક પણ લાભ થશે, ખોટ નહિ.
(તા. ૧૦-૪-૧૯૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org