________________
૫૩૨
જિનમાર્ગનું અનુશીલન આ ટ્રસ્ટની આ મૂક કાર્યપદ્ધતિ અત્યારના જાહેરાતપ્રિય યુગમાં, બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી છે.
પરિચય ટ્રસ્ટની ઉત્પત્તિની કથા કહેતાં, ટ્રસ્ટના નિવૃત્ત પ્રમુખ પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કહ્યું હતું :
ભારતના અનેક બુદ્ધિમાનું વિદ્યાર્થીઓ વિદેશમાં જ્ઞાનસંચય કરવા જાય છે; તેઓ જુદાજુદા વિષયોમાં અંગ્રેજી આદિ ભાષા દ્વારા નિષ્ણાત પણ થાય છે. પરંતુ ભારતમાં પાછા ફર્યા પછી તેઓનો જ્ઞાનસંભાર અંગ્રેજીભાષી નાનકડા વર્તુળ પૂરતો જ રહે છે, અને તે જ્ઞાનસંભારનો લાભ સામાન્ય પ્રજાને ભાગ્યે જ મળે છે. તેથી તમે એક કે અનેક વિષયનું શક્તિભર જ્ઞાન ભલે અંગ્રેજી ભાષા દ્વારા મેળવો, કુશળ થાઓ, પણ એનો લાભ ભારતના સામાન્ય જનને મળે તો જ એ પ્રયત્ન વિશેષ દીપી ઊઠે આવા મતલબનું મેં ભાઈ ડગલીને અમેરિકાના પત્રમાં લખેલ એવો ભાસ અત્યારે થાય છે...
એમને અમેરિકામાં વિચાર આવેલો કે ચાલુ અનેક વિષયોનું જ્ઞાન અમેરિકાની સામાન્ય પ્રજામાં સરલ રીતે અનેક માર્ગે આપવામાં આવે છે; તો ભારતમાં એ શા માટે ન બને ? તેમાં ય આખા ગુજરાત પૂરતું એવું કાંઈક સાધન ઊભું કરવું જોઈએ, જેના લીધે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને તે પછી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓ તેમ જ એકાંગી શિક્ષકોને તેમ જ જિજ્ઞાસુ સામાન્ય જનને ચાલુ અનેક વિષયોની સ્પષ્ટ સમજણ મળવા પામે, અને છાપા દ્વારા તેમ જ બીજાં પુસ્તકોના વપરાશથી પરિચિત થયેલા અનેક શબ્દોના અર્થો અને ભાવ સરલતાથી જાણી શકાય... આ છે પરિચયપુસ્તિકાની પ્રવૃત્તિની જન્મકથા.”
ટ્રસ્ટ પોતાની પ્રવૃત્તિનો વિસ્તાર કરવાના કેવા-કેવા મનોરથો સેવે છે, તે ટ્રસ્ટના અત્યારના પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાના જ શબ્દોમાં જોઈએ:
“નવાં પ્રકાશનોમાં એક મોટું કામ બાળ-સાહિત્યનું છે. અત્યારના મોટા ભાગના ભેળસેળિયા બાળસાહિત્યને બદલે ચોક્કસ વયજૂથો માટે વ્યવસ્થિત રીતે બાળ-સાહિત્ય પ્રગટ કરવાની ગુજરાતીમાં આવશ્યકતા છે. જુદાં-જુદાં વયજૂથ માટે જુદાં-જુદાં સામયિકો અને પુસ્તકો પ્રગટ કરવાની ટ્રસ્ટની નેમ છે. પરિચય-પુસ્તિકાઓ જે કક્ષાના વાચકો માટે ચાલે છે, તેથી વધુ શિક્ષિત કક્ષાના વાચકો માટે વિવિધ વિષયોનાં મોટાં પુસ્તકો પરિચય ટ્રસ્ટે પ્રગટ કરવાં જોઈએ એવી માગણી વારંવાર થઈ છે, અને એ દિશામાં પણ કામ કરવાનો ટ્રસ્ટનો ઇરાદો છે. વિવેચનને ક્ષેત્રે ગુજરાતીના મુખ્યમુખ્ય લેખકોના કાર્ય વિષે નાના ગ્રંથો પ્રગટ કરવાની વિચારણા થઈ છે. એવી જ રીતે સાહિત્યના વિવિધ પ્રવાહો, સાહિત્યની મુખ્ય વિભાવનાઓ વગેરે વિશે પણ નાના ગ્રંથો તૈયાર કરવાની ધારણા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org