Book Title: Jinmargnu Anushilan
Author(s): Ratilal D Desai, Nitin R Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 553
________________ પ૩૦ જિનમાર્ગનું અનુશીલન જે કાંઈ કામ કે સાહસ શરૂ કરવાનું હતું, તે શૂન્યમાંથી સર્જન કરવાના જેવું કપરું અને મુખ્યત્વે આપબળ ઉપર જ કરવાનું હતું. પણ એમના નિશ્ચયમાં ગજવેલ હતું અને લીધેલ કામમાં પાછા પડવાનું એમને હરગિજ મંજૂર ન હતું. કાર્યની શરૂઆત કર્યા પછી ચાર-પાંચ મહિનામાં જ એમણે બે પુસ્તિકાઓ પ્રગટ કરી. અને જનતાએ અને આગેવાનોએ એમના એ સાહસને ઉમળકાભેર વધાવી લીધું. જ્ઞાનની સુધાનો અનુભવ કરતી જનતા પોતાની સામે એક પછી એક ઉત્તમ વાનગીઓ લઈને રજૂ થતા જ્ઞાનના રસથાળનો આહલાદ અનુભવી રહી, અને એ રીતે આ પ્રવૃત્તિના પરિણામરૂપે જે-જે પુસ્તિકાઓ પ્રગટ થતી રહી એનું લોકો ઉમળકાપૂર્વક સ્વાગત કરતા રહ્યા અને નવી-નવી પુસ્તિકાઓની આતુરતાથી રાહ જોવા લાગ્યા. બીજી બાજુ આ પ્રવૃત્તિની ઉપયોગિતા અને ઉપકારકતાથી પ્રભાવિત થઈને નવાનવા સાથીઓ પણ આ કાર્યમાં જોડાવા લાગ્યા. સ્થાપના પછીના દોઢેક વર્ષમાં તો, આ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે તેમ જ આ કાર્ય માટેની સખાવતોનો સ્વીકાર થઈ શકે અને એના હિસાબ કે ખર્ચ અંગે લોકોમાં વિશ્વાસ બેસે એ માટે પરિચય ટ્રસ્ટની સ્થાપના પણ કરાઈ. આ સમગ્ર પ્રવૃત્તિના પ્રેરક બંને મિત્રો શ્રી વાડીભાઈ અને શ્રી યશવંતભાઈની ભાવના સફળ થઈ હોય એમ, ટૂંકા વખતમાં જ આ ટ્રસ્ટની ઊંચી નામના થઈ અને જનસમૂહમાં જેઓ ખૂબ આદર અને પ્રતિષ્ઠા ધરાવતા હતા, ધરાવે છે એવી વિશિષ્ટ વ્યક્તિઓ એના ટ્રસ્ટીમંડળમાં જોડાઈ. પંડિતવર્ય શ્રી સુખલાલજી તો ટ્રસ્ટના સ્થાપનાકાળથી જ ટ્રસ્ટીમંડળના પ્રમુખ બન્યા હતા. ઉમરને કારણે ત્રણેક વર્ષ પહેલાં તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થતાં એમના સ્થાને ગુજરાતના ભારત- વિખ્યાત રાજપુરુષ અને વિદ્યાસંસ્કારના પુરસ્કર્તા શ્રી ગગનવિહારી મહેતાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના સાક્ષર શ્રી ઉમાશંકર જોશી, શ્રી આર. એસ. ભટ્ટ વગેરે મહાનુભાવો પણ ટ્રસ્ટીમંડળમાં સમાવિષ્ટ છે. શ્રીયુત વાડીભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની અને શ્રી યશવંતભાઈ મેનેજિંગ એડિટર તરીકેની જવાબદારી ખૂબ જહેમતથી યશસ્વી રીતે સંભાળી રહ્યા છે. હવે આ પ્રવૃત્તિના કેન્દ્રમાં જ્ઞાનપ્રસારની જે ભાવના પ્રતિષ્ઠિત છે, તે દિશામાં આ ટ્રસ્ટે કેટલી મહત્ત્વની કામગીરી બજાવી છે, તેની થોડીક વિગતો જોઈએ. થોડા વખત પહેલાં આ ટ્રસ્ટ તરફથી ૩૦૦ જેટલી પુસ્તિકાઓનું પ્રકાશન થયા નિમિત્તે એક મિલન યોજવામાં આવ્યું હતું. દેશના અને દુનિયાના, જીવનના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 551 552 553 554 555 556 557 558 559 560 561