________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૪
૪૨૯ આકલન કરી શકીએ, તો આપણને એ સમજતાં મુશ્કેલી ન પડવી જોઈએ, કે આ એક પ્રકારનું સાંસ્કૃતિક સંકટ જ ઊભું થયું છે. એને રોકવા સમર્થ પ્રયત્નની જરૂર છે.
સંસ્કૃત ભાષા અને સાહિત્યનું ક્ષેત્ર પ્રાકૃત કરતાં વધારે મોટું છે એ સૌ કોઈ જાણે છે. પણ આજે એ ભાષા અને સાહિત્યના પણ અધ્યયનમાં સુનકાર જામતો જાય છે! પહેલાં દેશભરમાં માધ્યમિક શાળાઓમાં તથા કોલેજોમાં કેટલા બધા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરતા હતા ! અત્યારે આ ભાષાના અભ્યાસને પણ ચિંતા ઉપજાવે એટલો ઘસારો લાગી ગયો છે; સંસ્કૃતમાં ઊંચી કક્ષાએ એમ.એ. થનારને પણ સહેલાઈથી નોકરી મળી શકતી નથી, તો પછી પ્રાકૃત ભાષાની સ્થિતિ તો આના કરતાં પણ વધારે ખરાબ હોય જ ને? અને પાલી ભાષાની સ્થિતિ પણ એવી જ હોય ને ?
પણ સંસ્કૃત ભાષા અને પાલી ભાષા તથા સાહિત્યના અધ્યયન-અધ્યાપન અને સંશોધન પ્રકાશન-ક્ષેત્રે આશાસ્પદ સ્થિતિ એ છે કે તેને પ્રોત્સાહન મળતું રહે એવી કેટલીક વ્યવસ્થા છે, જ્યારે પ્રાકૃતને માટે આવી વ્યવસ્થા થવી હજી બાકી છે. જુદાજુદા જૈન ફિરકાઓમાં જે કંઈ આછી-પાતળી વ્યવસ્થા છે, તે એવી ઓછી-અધૂરી છે કે એનું ધાર્યું પરિણામ ભાગ્યે જ આવી શકે
એટલે જો પ્રાકૃતના અધ્યયનને આપણે સાચે જ વેગ આપવા ઈચ્છતા હોઈએ તો એ માટે એક બાજુ આપણાં સાધુ-સાધ્વીઓએ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન તરફ પૂરી ગંભીરતા તથા નિષ્ઠા સાથે વળવું જોઈએ; અને બીજી બાજુ તે તરફ દૃષ્ટિસંપન્ન ગૃહસ્થવર્ગમાં અને વિદ્યાર્થીઓમાં સ્થાયી ઉત્સાહ અને અભિરુચિ જાગે એવો વ્યવસ્થિત અને સમર્થ પ્રયત્ન થવો જોઈએ. આવો પ્રયત્ન પ્રાસંગિક નહીં, પણ કાયમી જ હોવો જોઈએ. આમાં એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રાકૃત ભાષાના પૂર્ણ સમયના અભ્યાસીઓને યોગ્ય વેતનવાળી નોકરી સહેલાઈથી મળી રહે.
અગાઉ કહ્યું તેમ, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં તો પ્રાકૃતના અધ્યયનને, એના ભવિષ્યને માટે ચિંતા થાય એટલી હદે જાકારો મળી રહ્યો છે. જે શાળાઓ તથા કોલેજો પ્રાકૃતના અધ્યાપન માટે કંઈક પણ જોગવાઈ રાખતી હતી, એમની સંખ્યામાં, તેમ જ જે વિદ્યાર્થીઓ પ્રાકૃતનું અધ્યયન કરવા પ્રેરાતા હતા એમની સંખ્યામાં પણ ઘટાડો જ થતો જાય છે. આનું મુખ્ય કારણ એ લાગે છે કે પ્રાકૃત ભાષાના વિદ્વાનોને નોકરી મેળવવામાં ખૂબખૂબ મુશ્કેલી પડે છે. આવી વિષમ સ્થિતિમાં પ્રાકૃતનો અભ્યાસ હજી પણ ઘટે તો એને આપણે ભાગ્યે જ રોકી શકવાના છીએ.
એક બાજુ પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરી નહીં મળવાની ફરિયાદ ઊભી છે, તો આની સામે, જેમ ધાર્મિક શિક્ષકોની આપણે ત્યાં અછત પ્રવર્તે છે, તેમ પ્રાકૃતના પંડિતો પૂરતા પ્રમાણમાં મળતા નથી એવી ફરિયાદ પણ અવારનવાર થતી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org