________________
૪૩૧
પ્રાકૃતાદિનું અધ્યયન : ૪
પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તથા સાહિત્યના અધ્યયનનું મહત્ત્વ કેવળ જૈનધર્મ અને એના અનુયાયીઓ પૂરતું જ મર્યાદિત નથી. દ્રવિડિયન સિવાયની ભારતની અત્યારે બોલાતી લગભગ બધી ભાષાઓ અને બોલીઓની માતારૂપે પ્રાકૃત વગેરે ભાષાઓનું અને ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના જુદાજુદા તબક્કાના આધારભૂત અધ્યયનસંશોધન માટે આ ભાષાઓમાં રચાયેલ જુદાજુદા વિષયના પ્રાચીન સાહિત્યનું મહત્ત્વ ઘણું છે. આ દષ્ટિએ દેશ-વિદેશમાં આ ભાષા અને સાહિત્યના અધ્યયન-સંશોધનને પ્રોત્સાહન મળે એવા વ્યાપક પ્રયત્ન તો થયા જ છે. આમ છતાં તે ભાષામાં જૈન વિદ્યાનું મૌલિક સાહિત્ય રચાયેલું હોઈ તે ભાષા અને સાહિત્યનું અધ્યયન વ્યાપક પ્રમાણમાં થતું રહે તે માટે બધા પ્રકારની ગોઠવણ કરવી એ જૈનસંઘની વિશેષ ફરજ છે.
જૈન-પ્રકાશે' પોતાના ઉક્ત અગ્રલેખમાં યોગ્ય જ કહ્યું છે – . “અર્ધમાગધીનો વધારેમાં વધારે વિકાસ સાધ્ય કરવો હશે તો શાળા-કોલેજોમાં આ ભાષાનો પ્રચાર કરવો જરૂરી છે. એક વખત ભૂલાયેલી ભાષાનો વ્યાપક પ્રચાર કરવા માટેનું સર્વોચ્ચ માધ્યમ શાળા-કૉલેજો છે. ભારતમાં સંખ્યાબંધ કોલેજો, શાળાઓ, યુનિવર્સિટીઓ છે. આ બધી શિક્ષણ-સંસ્થાઓ અર્ધમાગધીને અભ્યાસક્રમમાં દાખલ કરવા તત્પર પણ છે, પરંતુ એ માટેના પૂરા પ્રયાસો થયા નથી.
“જૈન આગમ-સાહિત્ય અર્ધમાગધી ભાષામાં લખાયેલ છે એ જોતાં અર્ધમાગધીને શાળા-કૉલેજમાં દાખલ કરવા માટે જૈનોએ પુરુષાર્થ કરવો જોઈએ.
જૈન વિદ્યાર્થીઓ શાળા-કૉલેજોમાં બીજી ભાષા તરીકે અર્ધમાગધી લે એ માટે : એમને શિષ્યવૃત્તિઓ, પારિતોષિકો, આર્થિક સહાય વગેરે આપવાની યોજના ઘડવી જોઈએ.”
પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન આપનારા બે વ્યાપક દૃષ્ટિના પ્રયાસોની અહીં નોંધ લેવી ઘટે છે :
થોડાંક વર્ષો પહેલાં અમદાવાદમાં પંડિતવર્ય શ્રી બેચરદાસજી, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરેના પ્રયાસો અને પંડિતવર્ય શ્રી સુખલાલજી, સ્વ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી વગેરેના સહકારથી સ્થપાયેલ “પ્રાકૃતવિદ્યામંડળ' માધ્યમિક શાળાઓમાં અને ખાસ કરીને કૉલેજો તથા વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન મળે એ માટે દરેક રીતે પ્રયત્ન કરી રહેલ છે.
થોડા વખત પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પ્રાકૃત-પાલી જેવી ભાષાઓના વિશિષ્ટ અધ્યયન-સંશોધનને માટે સ્કોલરશિપો આપવાનું જાહેર કર્યું છે. ”
આ બધામાં જૈનસંઘના પ્રયત્નનોનું બળ ભળે તો પ્રાકૃત ભણનારાઓની સંખ્યા પણ વધે અને પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરીની તકો પણ વધે.
| (તા. ૧૭-૭-૧૯૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org