________________
૪૯૧
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧ તેથી એ ગ્રંથ સુસંપાદિત-સુસંશોધિત રૂપે પ્રગટ થાય એવી એમની તીવ્ર ઝંખના હતી. એવામાં એમને પત્ર દ્વારા મુનિશ્રી જંબૂવિજયજીની અસાધારણ જ્ઞાનશક્તિનો પરિચય થયો; અને જ્યારે એમને એ વાતની જાણ થઈ કે એમની ઉમર તો હજી પચીસ વર્ષ જેટલી પણ નથી, ત્યારે એમના મનનો મોરલો ઝંખી રહ્યો કે આ યુવાન અને વિદ્વાનું મુનિવરના હાથે “નયચક્ર'ની ટીકાનું સંશોધન-સંપાદન થાય તો કેવું સારું! એમણે મનની વાત મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીને લખી જણાવી.
જાણે ગ્રંથના ઉદ્ધારનો સમય પાકી ગયો હોય એમ, એ જ અરસામાં વિ.સં. ૨૦૦૧ના ચોમાસામાં શ્રી જંબૂવિજયજીએ પૂ. શ્રી પુણ્યવિજયજી પાસે કોઈ આગમના સંપાદનનું કામ આપવાની વાત કરી. જવાબમાં એમણે એમને ખૂબ ભાર અને આગ્રહ સાથે નયચક્ર'ની ટીકાનું સંપાદન હાથ ધરવા લખ્યું; સાથેસાથે એ માટે પંડિત, પુસ્તકો, દેશવિદેશમાંથી જરૂરી બધી સામગ્રી પૂરી પાડવાની તેમ જ પ્રકાશનના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવવાની સંપૂર્ણ તૈયારી બતાવી. જૈન શ્રત અને ભારતીય સાહિત્યને માટે એ સુવર્ણ ઘડી હતી; મુનિશ્રીજંબૂવિજયજીના અંતરમાં એ વાત વસી ગઈ, અને વિ.સં. ૨૦૦૨માં વિદ્યાધામ પૂના શહેરમાં આ કાર્યનું મંગલાચરણ કરાયું.
કાર્યનો સ્વીકાર કર્યા પછી તો જાણે શ્રી જંબૂવિજયજીના રોમરોમમાં “નયચક્ર'નો નાદ જ ગુંજવા લાગ્યો. પણ આ કામ તો પાતાળકૂવા જેવું – કોઈ રીતે તાગ જ ન મળે એવું ગહન - નીકળ્યું; અને એ માટે કંઈકંઈ નવાનવા વિષયોનું તલસ્પર્શી અધ્યયન કરવાની અને દુનિયાભરમાંથી કંઈ-કંઈ સાહિત્ય-સામગ્રી ભેગી કરવાની જરૂર ઊભી થતી ગઈ. પણ દૂબળી કાયામાં સમર્થ હૃદયબળ, અદમ્ય ઇચ્છાશક્તિ અને જાગૃત આત્મશક્તિ ધરાવતા મુનિશ્રી જંબૂવિજયજી એથી ન કદી થાક્યા, ન કદી કંટાળ્યા કે ન કદી હાર્યા. પોતાની શક્તિ અને ભાવનાનો અંશેઅંશ સમર્પિત કરીને આ ગ્રંથને સર્વાંગસુંદર અને સર્વાંગસંપૂર્ણ રૂપમાં પ્રગટ કરવાનો એમનો મનોરથ અને સંકલ્પ હતો. અને આ ગ્રંથનો તાજેતરમાં પ્રગટ થયેલ પહેલો ભાગ એ વાતની સાક્ષી પૂરે છે કે એમનો એ મનોરથ અને સંકલ્પ પૂર્ણરૂપે સફળ થયો છે, અને મુનિશ્રી જંબૂવિજયજી એક ખૂબ કઠિન પ્રાચીન દાર્શનિક ગ્રંથનું અપૂર્વ કહી શકાય એવું સંપાદન કરવાના યશના ભાગી થયા છે. એમના સંપાદન-કાર્યની અપૂર્વતાની થોડીક વિગતો જોઈએ:
(૧) “નયચક્ર'ની ટીકામાં આવતાં મૂળ નયચક્ર' ગ્રંથનાં પ્રતીકો તેમ જ ટીકાકારે આગળ-પાછળનો સંદર્ભ સમજાવવા ઉદ્ધત કરેલા મૂળ ગ્રંથમાંનાં વાક્યાંશોને ખૂબ ચીવટ અને ઝીણવટપૂર્વક શોધી તારવીને અને એના ઉપર પૂરતું અધ્યયન-ચિંતન-મનન કરીને એના આધારે લગભગ આખા મૂળ ગ્રંથને સંકલિત કરી દીધો છે. આ જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org