________________
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૬
૪૭૩
(૬) “જૈનપ્રકાશ'નું જાગૃત, સેવાનિષ્ઠ પત્રકારત્વ
સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ'ના, મુંબઈથી ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સાપ્તાહિક જૈનપ્રકાશ' થોડા વખત પહેલાં એકસઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે અમે એ પત્રને, એના તંત્રીશ્રીને અને એના સંચાલકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. (અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું મુખ્ય કાર્યાલય મુંબઈથી દિલ્હી લઈ જવામાં આવ્યું તે પછી દિલ્હીથી જૈનપ્રકાશ'ની સાપ્તાહિક હિંદી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવે છે.)
જૈનપ્રકાશ' સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનું મુખપત્ર હોવાથી એમાં સ્થાનકવાસી ફિરકાને લગતા ધાર્મિક, સામાજિક તેમ જ સંઘને સ્પર્શતા પ્રશ્નોની છણાવટ કરવામાં આવે એ સ્વાભાવિક છે. પણ આ પત્રના તંત્રીશ્રીએ પોતાના પત્રમાં રજૂ કરવામાં આવતી વાચનસામગ્રીને કેવળ સ્થાનકવાસી સંઘના વિચાર કે સમાચાર પૂરતી જ મર્યાદિત નહીં રાખતાં, એમાં અવારનવાર રાષ્ટ્રીય, સાહિત્યિક, શૈક્ષણિક અને વ્યાપક સમાજને સ્પર્શતા પ્રશ્નો-વિચારોની પણ રજૂઆત કરવાની નીતિ સ્વીકારી છે. ઉપરાંત એમાં એકાદ સંસ્કારપોષક, રોચક અને રસપ્રદ વાર્તા આપવાનો આવકારપાત્ર શિરસ્તો સ્વીકારવામાં આવ્યો છે તે પણ એની એક વિશેષતા.
જૈનપ્રકાશ'નું ધોરણ નહીં ઉદ્દામ કે નહીં રૂઢિચુસ્ત એવું મધ્યમમાર્ગી સુધારકનું છે. આમ છતાં, જ્યાં અંધશ્રદ્ધાનું પોષણ થતું લાગે ત્યાં એ એની સામે પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને જ્યાં સુધારકપણાના નામે આચારવિમુખતા અને સુખશીલતા પોષાતી દેખાય ત્યાં હંમેશાં સંઘને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આમ જૈનપ્રકાશ' સ્થાનકવાસી સંઘના યોગક્ષેમ માટે એક જાગૃત સૈનિકનું કામ કરે છે.
આ પત્રનું તંત્રીપદ ઘણાં વર્ષોથી શ્રીયુત ખીમચંદ મગનલાલ વોરા સંભાળે છે. તેઓશ્રી વિદ્યાપ્રેમી વિચારક છે, અને સ્થાનકવાસી કૉન્ફરસના મંત્રી તરીકે તેઓ ધર્મ અને સંઘના ઝીણા-મોટા બધા પ્રશ્નોથી સુપરિચિત છે, એટલે સ્વાભાવિક રીતે જ એમનાં લખાણોમાં સાહિત્યરસ અને અનુભવનો નિચોડ જોવા મળે છે. અત્યારે જૈનપ્રકાશ'ની જે નામના છે, એમાં શ્રી ખીમચંદભાઈનો ઘણો મોટો હિસ્સો છે.
(તા. ૮-૧૨-૧૯૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org