________________
જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન
(૧) આગમ-પ્રકાશનની વિવિધ આધુનિક યોજનાઓ
છેલ્લાં એકસો વર્ષ દરમિયાન શ્વેતામ્બર જૈનસંઘના પ્રાણ કે પાયારૂપ મૂળ આગમસૂત્રો, અને એને આધારે અથવા એના વિશદીકરણ માટે રચવામાં આવેલાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા – એમ સમગ્ર આગમ-પંચાંગીનાં સંપાદન, સંશોધન, હસ્તલેખન (અત્યારે પણ કાગળ કે તાડપત્ર ઉ૫૨ આગમગ્રંથો લહિયાઓ પાસે હાથથી લખાવવાનું કાર્ય કર્યાંક-ક્યાંક ચાલી રહ્યું છે), ભાષાંતર તથા મુદ્રણ-પ્રકાશનની જે પ્રવૃત્તિ મોટા પાયે અને વ્યાપક રૂપમાં થવા પામી છે, એને લીધે, જૈન સાહિત્યની દૃષ્ટિએ એને આગમ-પ્રકાશનનો સૈકો જ કહેવો જોઈએ.
અલબત્ત, આ એકસો વર્ષ દરમિયાન, જૈન સાહિત્યના વિપુલ ખજાનામાં સંગ્રહાયેલ અને સચવાયેલ જુદીજુદી ભાષાની અને જુદાજુદા વિષયોને સ્પર્શતી નાનીમોટી હજારો અન્ય જૈન કૃતિઓ પણ મુદ્રિત અને પ્રકાશિત થવા પામી છે. આમાંનાં કેટલાંક પુસ્તકો તો, સંશોધન-સંપાદનની વિશ્વમાન્ય આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની અગ્નિપરીક્ષામાં પણ સફળ પુરવાર થાય એવાં ઉત્તમ રૂપમાં પ્રકાશિત થયાં છે; એટલે આવાં પ્રકાશનો, એના સંપાદકો અને એની પ્રકાશન-સંસ્થાઓની નામના સર્વત્ર પ્રસરી જાય એ સ્વાભાવિક છે. આમ, આ સમયને વ્યાપક જૈન સાહિત્યના પ્રકાશનના ગૌરવભર્યા સૈકા તરીકે પણ ઓળખાવી શકાય.
વળી, આ ગાળામાં દિગંબર જૈનસંઘનું આગમિક તેમ જ અન્ય સાહિત્ય પણ ઘણા મોટા પ્રમાણમાં યશસ્વી રીતે સંપાદિત, અનૂદિત અને મુદ્રિત-પ્રકાશિત થયું છે. શ્વેતામ્બર જૈનસંઘનાં આગમસૂત્રો, આગમિક ગ્રંથો અને અન્ય જૈન સાહિત્યકૃતિઓનાં સંશોધન, ભાષાંતર અને પ્રકાશનની વ્યાપક કાર્યવાહીમાં જેમ પશ્ચિમના દેશોના વિદ્વાનોએ પોતાનો માર્ગદર્શક ફાળો આપ્યો છે, તેમ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી સંઘના આચાર્ય-મહારાજો તેમ જ ગૃહસ્થ વિદ્વાનો અને પંડિતોનો ફાળો પણ ઘણો મોટો અને મહત્ત્વનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org