________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૨, ૨૩
૧૪પ
અર્થવ્યવસ્થા તથા એમાં ભુલાઈ જતો સાચાં-ખોટાં નાણાંનો વિવેક એ આખું વિષચક્ર ચાલે છે. કોઈ પણ સ્થાન અંગેના ચાતુર્માસની તથા શેષકાળની સ્થિરતા માટેના નિયમોની ઉપેક્ષાને લીધે જનસમૂહ સાથે ઘેરી રીતે કેળવાતી મોહ-માયા-મમતા ફાલવા લાગી છે. આહાર-પાણીમાં લેવી પડતી છૂટછાટોની ટીકા કરવી અનુચિત ગણાય. છતાં
જ્યાં એ સંયમની વિરાધના સ્વાથ્યહાનિ કે વ્રતભંગ સુધી આગળ વધી જતી હોય, ત્યાં એ માટે વિચાર કરવો ઘટે. વળી, નવદીક્ષિત મુનિવરો તથા સંયમમાં ઓછા સ્થિર થયેલા મુનિવરોને અપરિપક્વ સ્થિતિમાં પણ લોકસંપર્કની કેટલી બધી છૂટ અપાય છે!
આવું-આવું તો બીજું પણ અહીં ઘણું નોંધી શકાય; પણ એ અમારી આ નોંધનો હેતું નથી. અમારે મુખ્યત્વે એટલું જ કહેવું છે કે શાસનપ્રભાવનાની ભાવના ધરાવતા સંયમનિષ્ઠ આચાર્ય મહારાજો તથા મુનિવરો શાણપણ, દૂરંદેશી અને સમયજ્ઞતા દાખવીને, અત્યારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ધ્યાનમાં લઈને, નિર્ભયપણે અને સહજ રીતે આચારધર્મની આરાધના થઈ શકે એવી, કેટલાક અનિવાર્ય ફેરફાર સાથેની નવી આચારસંહિતા ઘડી આપે. આમ થશે, તો શિથિલાચારની રુકાવટની સાથે-સાથે, શ્રાવકસંઘને પણ પોતાના વ્યવહારને તથા ધર્મારાધનને નિર્મળ કરવાની પ્રેરણા મળશે.
(તા. ૨૭-૧૧-૧૯૭૬)
(૨૩) જાણવા જેવી સામાચારી
આત્માની શુદ્ધિ માટેની સાધના એ જ જૈનધર્મનું મુખ્ય લક્ષ્ય છે. એટલે જે ક્રિયા કે જે પ્રવૃત્તિ આત્મશુદ્ધિ તરફ દોરી જતી હોય એ જ ત્યાં ધર્મ કાર્ય તરીકે આદરપાત્ર બને છે; તે સિવાયની બધી પ્રવૃત્તિ ત્યાજ્ય લેખાય છે. અને આત્મશુદ્ધિ માટેનો મુખ્ય માર્ગ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના જ છે. આ માર્ગે જ આત્મા ક્લેશકલહથી ભરેલો સંસાર સમુદ્રને પાર પામી જાય છે.
તીર્થકરોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનાનો જે સર્વકલ્યાણકારી માર્ગ ઉદ્દબોધ્યો છે, એ મંગલમય માર્ગનું અનુસરણ કરવા આખો સંઘ પ્રેરાય એનાં જવાબદારી અને અધિકાર જૈન સંસ્કૃતિના મુખ્ય અંગરૂપ શ્રમણ-સમુદાયને સોંપેલ છે. આ શ્રમણ-સમુદાય જેટલા પ્રમાણમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ અને તિતિક્ષાના માર્ગે આત્મસાધનામાં લીન બની શકે, તેટલા પ્રમાણમાં શ્રીસંઘ પોતાની શક્તિ, રુચિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org