________________
૩૨૮
જિનમાર્ગનું અનુશીલન વિશ્વવિદ્યાલયો આમ તો રાજ્યોની સ્વતંત્ર સંસ્થાઓ છે, અને એનો બધો કારોબાર એના પોતાનાં જ બંધારણ અને ધારાધોરણ તેમ જ કેટલીક પ્રણાલિકાઓ પ્રમાણે જ ચાલ્યા કરે છે. છતાં, એના ખર્ચનો સારો એવો હિસ્સો કેન્દ્ર સરકાર કે પ્રાદેશિક સરકારો પાસેથી, યુનિવર્સિટી ગ્રાસ કમિશનની ભલામણથી મળતો હોય છે. એથી, અને વળી કોઈ પણ યુનિવર્સિટી ધારાસભાએ ઘડેલા ધારા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે એથી, યુનિવર્સિટીને અર્ધસરકારી સંસ્થા તો અવશ્ય લેખી શકાય.
આનો અર્થ એ કે યુનિવર્સિટીને મધ્યસ્થ કે પ્રાદેશિક સરકાર તરફથી જે કંઈ નાણાકીય સહાયતા મળી રહે છે, તે, તે-તે સકારોએ જુદાજુદા પ્રકારના કરવેરાઓ મારફત સમસ્ત પ્રજામાંથી એકત્ર કરેલાં નાણાંમાંથી જ આપવામાં આવે છે, અને કરવેરા મારફત સરકારને નાણાં ભરનારો વર્ગ તો પ્રજાની અઢારે આલમનો બનેલો વર્ગ છે; એટલે એ નાણાં ઉપર સમસ્ત પ્રજાનો અધિકાર લેખાય. તેથી એ નાણાંનો ઉપયોગ સમસ્ત પ્રજાનાં જુદાંજુદાં અંગોના વિકાસ માટે કે જુદીજુદી જે સંસ્કૃતિઓએ સમગ્ર ભાવે પ્રજાજીવનને પ્રભાવિત કર્યું હોય, એ સંસ્કૃતિનાં અધ્યયન-અધ્યાપન માટે થવો જોઈએ.
- તેમાં ય જ્યારે યુનિવર્સિટીઓ આવી સરકારી સહાયના આધારે જ જુદાજુદા વિષયોનાં અધ્યયન-અધ્યાપનનો વ્યાપક કાર્યક્રમ અમલી બનાવતી હોય, ત્યારે તો દરેક વિષયના અને ખાસ કરીને દરેક સંસ્કૃતિના તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયનઅધ્યાપનની જોગવાઈ એણે કરવી જ જોઈએ. આવી જોગવાઈ કરવામાં આવે તો જ એનું “વિશ્વવિદ્યાલય” નામ સાર્થક બને.
સમગ્ર રીતે ભારતીય સંસ્કૃતિને એક અને અખંડ સંસ્કૃતિરૂપે સમજવામાં કોઈ હરકત નથી. પણ એનાં મુખ્ય, મૌલિક અને પાયારૂપ બે આંતરવહેણોનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી : એક બ્રાહ્મણ-સંસ્કૃતિ અને બીજી શ્રમણ-સંસ્કૃતિ. બ્રાહ્મણસંસ્કૃતિ યજન(યજ્ઞ)-પ્રધાન છે અને વેદો એના ધર્મગ્રંથો છે. અને શ્રમણ-સંસ્કૃતિ પૂજન- પ્રધાન છે, અને વેદોને બદલે તે કાળે લોકભાષામાં રચાયેલા શ્રમણગ્રંથોને એ ધર્મગ્રંથો તરીકે માને છે.
વધારે વિગતમાં ઊતરતાં, જેમ બ્રાહ્મણ-સંસ્કૃતિના અધ્યયનની પણ જુદીજુદી શાખાઓ મળી આવે છે, એમ શ્રમણ-સંસ્કૃતિનું મુખ્ય વહેણ પણ જુદીજુદી શાખાઓ રૂપે વિકસેલું જોવામાં આવે છે. એની મુખ્ય શાખાઓ છે બૌદ્ધ અને જૈન.
શ્રમણ-સંસ્કૃતિની આ બંને શાખાઓમાં બ્રાહ્મણ કે વૈદિક સંસ્કૃતિથી મૌલિક રીતે ભિન્ન શાખાઓ તરીકે કેટલુંક સામ્ય હોવા છતાં, તત્ત્વવિચાર અને આચારની દૃષ્ટિએ એ બંનેમાં પણ મૌલિક તફાવત છે, એને લીધે એ બંનેના સાહિત્યનો પણ સ્વતંત્ર રીતે વિકાસ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org