________________
૩૨૬
જિનમાર્ગનું અનુશીલના એનું મહત્ત્વ છે, તો ભાષાશાસ્ત્રીને માટે એમાંની ભાષાના વિકાસનું સૂચન કરતી સામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વ છે. વળી ઇતિહાસકાર એમાંથી ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ અથવા તો કેટલાંક નવીન ઐતિહાસિક તથ્યો શોધી કાઢે છે. એ જ રીતે કળાકાર કળાની દૃષ્ટિએ, કાવ્યશાસ્ત્રજ્ઞ પોતાના વિષયની દૃષ્ટિએ અને માનસશાસ્ત્રી પોતાની દૃષ્ટિએ : એમ સૌ પોતપોતાની દૃષ્ટિએ એક જ ગ્રંથનું અધ્યયન કરે છે. વળી નવાનવા વિષયો શોધાતા જ જાય છે; એ રીતે એક જ ગ્રંથની ઉપયોગિતા અનેક દૃષ્ટિએ સ્વીકારાતી જાય છે.
હવે, આપણે ઇચ્છીએ કે ન ઈચ્છીએ, અથવા તો આપણને રુચે કે ન રુચે, તો પણ, જ્યારે પ્રાચીન સાહિત્યનું આ રીતે અધ્યયન-અધ્યાપન મોટા પાયા ઉપર થવા લાગ્યું છે અને એમાં જૈન સાહિત્યનો પણ સમાવેશ થઈ જાય છે, તો જૈન સંસ્કૃતિના વારસદારો તરીકે આપણી એ ફરજ બની જાય છે કે આ કાર્ય વધુમાં વધુ સુવ્યવસ્થિત થાય એવી ગોઠવણ કરવી, અને એને માટે જરૂરી બધી સામગ્રી વિપુલ પ્રમાણમાં સૌને સુલભ કરી આપવી.
આ માટે બે કામ કરવાં જોઈએ : આપણા પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદનપૂર્વક પ્રકાશન અને આ માટે અધ્યયન-અધ્યાપનનાં કેન્દ્રોની સ્થાપના.
જૈન આગમો તેમ જ અન્ય પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાશનની દિશામાં, ભલે અપેક્ષિત ઝડપે નહીં, છતાં આશાસ્પદ પ્રગતિ થઈ રહી છે, એ વાત સ્વીકારવી જ રહી.
સ્વર્ગસ્થ આગમોદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરિજીએ એકલે હાથે, પંચાંગીયુક્ત મોટા ભાગના આગમગ્રંથોના પ્રકાશનનું જે ભગીરથ કાર્ય કર્યું હતું, એને જૈનાગમોના મુદ્રણનો પ્રભાતકાળ અવશ્ય લેખી શકાય – એવું ગૌરવભર્યું એ કાર્ય થયું છે. સુઘડ અને સ્વચ્છ રીતે છપાયેલ આ ગ્રંથોએ જૈન ઉપરાંત દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોનું ધ્યાન સારા પ્રમાણમાં દોર્યું હતું અને એમની જિજ્ઞાસાને પણ નોંધપાત્ર રીતે વધારી હતી.
આગમોની સંશોધિત-સંપાદિત આવૃત્તિ બોધક પ્રસ્તાવના, ગ્રંથમાંથી ઉપલબ્ધ થતી વિવિધ વિષયની માહિતીને દર્શાવતાં પરિશિષ્ટો અને શબ્દસૂચિ સહિત સમૃદ્ધ રૂપે મેળવવાની આકાંક્ષા ઉત્તરોઉત્તર વધતી જતી હતી.
હવે રહી વાત જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનું જ્યાં ઊંડાણથી અને વ્યાપક રીતે અધ્યયન-અધ્યાપન થઈ શકે એવાં અધ્યયન-કેન્દ્રોનું સ્થાપન કરવાની.
આ માટે બે રીતે કામ થઈ શકે: જેનોએ પોતે એવાં અધ્યયન-કેન્દ્રો ઊભાં કરીને કે યુનિવર્સિટી યા એવી કોઈ લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાસંસ્થામાં જૈન “ચેર' (જૈન પીઠ)ની સ્થાપના કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org