________________
૨૪૮
જિનમાર્ગનું અનુશીલન એમની સ્થિતિ આથી કંઈક જુદી છે. અને એમના સ્થાયી આવાસ માટે કેવી સગવડ કરવી જોઈએ એ અંગે આપણે ત્યાં ગંભીર વિચારણા અને પ્રવૃત્તિ હાથ ધરાવી હજી બાકી જ છે. અમારી નમ્ર સમજ મુજબ, આપણી સંઘવ્યવસ્થાની આ એક ધ્યાનપાત્ર ખામી છે; એ દૂર કરવાનો સમય પાકી ગયો છે.
આમ તો વિહાર કરવાને અશક્ત એવાં સાધુ-સાધ્વીઓને પોતાની શેષ જિંદગી વિતાવવાને માટે એક યા બીજા સ્થાનમાં કંઈક ને કંઈક આશ્રય મળી રહે છે, અને તે-તે સ્થાનના શ્રાવક ભાઈ-બહેનો એમની બનતી સંભાળ પણ રાખે છે. છતાં અત્યારે સાધુ-સાધ્વીઓની વિશાળ સંખ્યા જોતાં, જરૂરના પ્રમાણમાં આવી સગવડ બહુ અપૂરતી અને ઓછી સંતોષકારક છે એમ લાગ્યા વગર રહેતું નથી. બીજી બાજુ જેઓએ સંયમ અને તપની આરાધના કરતાં-કરતાં પોતાની કાયાને ઘસી નાખી હોય અને જેઓ વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચી ગયા હોય, તેઓ પોતાના વૃદ્ધાવાસ માટે આવી સંતોષકારક સગવડ મેળવવાના સાચા અધિકારી છે. આવી સગવડ કરી આપવી એ જેમ શાસનને માટે શોભા અને ગૌરવરૂપ છે, તેમ વૃદ્ધ અને અશક્ત સાધુ-સાધ્વીઓની પાછલી અવસ્થા આર્તધ્યાન, રૌદ્રધ્યાન કે અસ્વસ્થતામાં ન વીતે અને તેઓ આશા-ઉલ્લાસપૂર્વક પોતાના શેષ જીવનને જીવી જાય એ માટે પણ આવી સગવડ જરૂરી છે.
આવા વૃદ્ધાવાસો ક્યાં-કયાં સ્થાપવા, એમાં કેવા-કેવા નિયમો રાખવા, ત્યાં કેવીકેવી સગવડ રાખવી વગેરે બાબતો અંગે તો શ્રમણસંઘના નાયકો અને શાણા અનુભવી ગૃહસ્થ મહાનુભાવો જ મળીને વિચારણા અને યોજના કરે એ બરાબર છે. આમ છતાં એટલું જરૂર કહી શકાય કે દેશના જે વિભાગોમાં સાધુઓ અને સાધ્વીઓ મોટી સંખ્યામાં વિચરે છે અને જ્યાં સાધુ-સાધ્વી પ્રત્યે ભક્તિ ધરાવતાં ભાવિકજનો સારી સંખ્યામાં વસે છે, એવા રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં આવા વૃદ્ધાશ્રમો સ્થાપવામાં આવે તો એનો લાભ સારા પ્રમાણમાં અવશ્ય લેવાય. અલબત્ત, યોજનાનો વિચાર કરવો જેટલો સહેલો લાગે છે, એટલો જ મુશ્કેલ એનો અમલ છે.
(તા. ૧૪-૧૧-૧૯૭૦)
શ્રમણજીવન અર્થે ગૃહવાસનો, ઘરવખરીનો અને વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરીને ત્યાગી જીવનનાં વસ્ત્ર-ઉપકરણોનો સ્વીકાર કરવામાત્રથી બાહ્ય દૃષ્ટિનું સ્થાન આત્મભાવ લેવા લાગે છે એવું નથી; એ માટે તો, ખાંડાની ધાર પર ચાલવાની જેમ, ભગવાન મહાવીરે વારંવાર ઉદ્દબોધ્યું છે તેમ, પળનો પણ પ્રમાદ સેવ્યા વગર, સંયમ અને તપની આરાધના કરવાની હોય છે, બધો વખત જ્ઞાન, ધ્યાન અને ક્રિયાનું આરાધન કરવાનું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org