________________
૩૧૮
જિનમાર્ગનું અનુશીલન આ ત્રિપુટી પૈકી સત્યના સાક્ષાત્કારની ઝંખના જ્ઞાન-શોધની પ્રેરક બને છે, અને જ્ઞાનને અભિવ્યક્ત કરવા ભાષા અનિવાર્ય બને છે. એટલે અંતરમાં જ્ઞાન પોતા પૂરતું ગમે તેટલું સ્પષ્ટ હોય, પણ ભાષા ઉપર આધિપત્ય વિના એને યથાસ્થિતરૂપે રજૂ કરવાનું મુશ્કેલ બની જાય છે. આથી ભાષાની સાધના એ સમૂહજીવનની ઉપાસના બની રહે છે.
ભાષાના આ મહત્ત્વને લીધે જ, એમાં કોઈ જાતનો દોષ રહેવા ન પામે એ દૃષ્ટિએ જૈનદર્શને પાંચ સમિતિઓમાં ભાષાસમિતિને સ્થાન આપ્યું છે અને ત્રણ ગુપ્તિમાં વચનગુપ્તિને દાખલ કરી છે.
વળી ભાષા ઉપર પ્રભુત્વ મળી ગયા પછી એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે મૌન અને મિતભાષિતાનો મહિમા વર્ણવ્યો છે. “વચન રતન, મુખ કોટડી' એ સૂક્તિમાં વચનને રતનની ઉપમા આપીને એનું બરાબર જતન કરવાનું અર્થાત્ એનો ખાસ જરૂર પડ્યે જ ઉપયોગ કરવાનું સૂચવ્યું છે.
વાણીના પ્રભાવનું વર્ણન કરતાં “અમોઘ વાણી'ની જે વાત કહેવામાં આવી છે, તે અંતઃસાધનાથી પ્રાપ્ત થતી લબ્ધિરૂપ હોઈ ભલે સર્વસુલભ ન હોય, પણ એનો વ્યવહારુ સાર એ છે કે જે વ્યક્તિ સત્યને વફાદાર રહીને અને મિતભાષિતાનો મહિમા પિછાણીને વિવેકપૂર્વક, જરૂર પૂરતું બોલે છે, એને વાણીનું સાફલ્ય પ્રાપ્ત થાય છે.
આમ ભાષા એ માનવજીવનનું સંસ્કૃતિનું મહત્ત્વનું જ નહીં, અનિવાર્ય અંગ છે.
આટલી પૂર્વભૂમિકાને અંતે અમારે અહીં સંક્ષેપમાં જે કહેવું છે તે ભાષાશુદ્ધિને અનુલક્ષીને કહેવાનું છે.
સામયિકોમાં વારે-તહેવારે ઉદ્ધત કરવામાં આવતાં આગમવાક્યો કે બીજાં શાસ્ત્રવચનોને અશુદ્ધ રીતે છપાયેલાં જોઈએ છીએ, ત્યારે તો, કોળિયામાં કાંકરી આવ્યાની જેમ, બુદ્ધિને આંચકો લાગ્યા વગર રહેતો નથી.
આપણે જાણીએ છીએ કે આપણાં શાસ્ત્રોમાં ભાષાની અશુદ્ધિને બહુ મોટો દોષ લેખવામાં આવ્યો છે, અને તે સાચી રીતે લેખવામાં આવ્યો છે. એક અનુસ્વાર એક કાનો કે એક માત્રા વધારે કે ઓછાં થઈ જાય તો અર્થનો અનર્થ થતાં વાર ન લાગે.
એટલા માટે તો આપણે ત્યાં બોલવામાં “કાનો, માત્રા, અક્ષર, મીંડી આઘીપાછી” થઈ હોય તો એ માટે અંતઃકરણપૂર્વક “
મિચ્છા મિ દુક્કડ' માગવાની આજ્ઞા છે, અને એ પ્રણાલીનું હમેશાં પાલન કરવામાં આવે છે. પણ રોજ “મિચ્છા મિ દુક્કડું' અને રોજ એ ને એ ભાષાઅશુદ્ધિનો દોષ કરતા રહીએ તો એ દોષની ક્ષમાયાચના નિરર્થક અને હાસ્યાસ્પદ જ બની રહે. ભારે ખેદ સાથે કહેવું પડે છે કે આપણા પ્રાણરૂપ શાસ્ત્રવચનોના સંબંધમાં પણ આપણે ભાષાને અણીશુદ્ધ રાખી શક્તા નથી. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org