________________
૨૬
જિનમાર્ગનું અનુશીલન કરવા માગે છે એ તો ખુદ ભગવાન પણ શી રીતે જાણી શકે? પ્રાર્થીએ કે ભગવાન શાસનને આવા વિજય અને એના ઉન્માદથી બચાવે !
(તા. ૧-૧૧-૧૯૭૫)
(૨૪) ઉપાશ્રયોનાં દ્વાર મોકળાં બનાવો થોડા વખત પહેલાં, તિથિચર્ચાના ક્લેશને લીધે, ઉજજૈનમાં સાધ્વીજીઓને ઉપાશ્રયની જે અગવડો, આપણા જ જૈન મહાનુભાવોની સંકુચિતતાના કારણે ભોગવવી પડી હતી, તે માટે અમે “અચૂક અધર્મ આચરણ” એ નોંધ લખી હતી.
આ નોંધ લખ્યા પછી ખાસ કરીને જૈનપુરી ગણાતા અમદાવાદના અને બીજાં કેટલાંક શહેરોના ઉપાશ્રયો સંબંધમાં એક સમગ્ર અવલોકન કરતી નોંધ લખવાનું અમે જરૂરી માનતા હતા. આજના અંકમાં અન્યત્ર છપાયેલ “આ તે કેવી સંકુચિતતા?’ શીર્ષકે એક ચર્ચાપત્ર વાંચ્યા પછી ઉપાશ્રયોના સંબંધ જે કંઈ અમારે કહેવું છે તે અહીં રજૂ કરીએ છીએ, અને બીજા-બીજા જૈન આગેવાનો તેમ જ પત્રકાર-બંધુઓને આ સંબંધમાં પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવાની વિનંતી કરીએ છીએ. સાથેસાથે એવી આશા રાખીએ છીએ, કે આ શબ્દો બહેરા કાન ઉપર ન અથડાતાં આપણને ઘટતું પરિવર્તન કરવા પ્રેરશે.
અમદાવાદના ભાઈએ જે ચર્ચાપત્ર મોકલ્યું છે તેમાં સંભવ છે, કે કંઈક હકીકતફેર હોય. પણ તેથી અહીં જે કંઈ લખવા વિચાર્યું છે તેમાં ફેરફાર જરૂરી નથી.
એટલું તો ચોક્કસ છે, કે ઉપાશ્રયો આપણાં જિનમંદિરો જેટલાં જ પવિત્ર અને ધર્મ પાળવાનાં સ્થાનો છે – આપણા ધાર્મિક જીવનની શાળાઓ છે. જો આ શાળાઓ જ દૂષિત કે સંકુચિત હોય તો પછી શુદ્ધ ધાર્મિક જીવન સિદ્ધ કરવાની આશા જ ક્યાં રહે? કેળવણીનાં કેન્દ્રો જ જો પ્રત્યક્ષ અસત્ય જ્ઞાન ફેલાવતાં હોય તો પછી સાચી કેળવણી રહે જ ક્યાં?
આ ઉપાશ્રયોનો ઉદ્દેશ પંચમહાવ્રતના પાલનહાર કોઈ પણ મુનિવરને વાસસ્થાનની સવલત આપવાનો અને ગૃહસ્થો માટે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ કે ધર્મશ્રવણ માટેની જગ્યા પૂરી પાડવાનો છે – આ સમજણ કોઈથી પણ ઇન્કારી શકાય એમ નથી. તો પછી અમુક ઉપાશ્રયોમાં અમુક જ મુનિવરો ઊતરે એવાં વ્યવહાર, પરંપરા કે પ્રથા સ્થાપવાં એ ધાર્મિક દૃષ્ટિએ એકદમ અકુદરતી અને ધર્મવિરુદ્ધનું જ કૃત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org