________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૨
૫૯ શક્યા નથી. આવી સ્થિતિમાં જૈનોના જુદાજુદા ફિરકાઓ વચ્ચેની એકતા માટે એક જ ફિરકાની અંદર પ્રવર્તતા મતભેદોનું નિવારણ કરીને એને સંગઠિત બનાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવે તેને અમે આવકારપાત્ર લેખીએ છીએ.
દેખીતી રીતે કોઈને એમ લાગે કે કોઈ એક ફિરકો પોતાની અંદર સંગઠિત બનવા પ્રયત્ન કરે તેથી બીજા ફિરકાને શો લાભ? પણ અમે આ બાબતને એ રીતે વિચારીએ છીએ, કે અનુકરણ કરવું એ માનવીનો સહજ સ્વભાવ છે. એટલે એક સ્થાને બનતી ઘટનાની પોતાને માહિતી હોય તો ક્યારેક પણ પોતાની સ્થિતિનો વિચાર કરવાની અને એને સુધારવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા મળે.
આ દૃષ્ટિએ જ બે-એક મહિના પહેલાં દિગંબર જૈન સમાજે પોતાની આંતરિક એકતા સાધવા માટે જે પ્રશંસાપાત્ર પ્રયત્ન કર્યો છે, તે તરફ ધ્યાન દોરવું જરૂરી છે.
દિગંબર જૈન સમાજમાં ત્રણ સંસ્થાઓ મુખ્ય છે : દિગંબર જૈનસંઘ, ભારતવર્ષીય દિગંબર જૈન મહાસભા અને ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ. એમાં ય મહાસભા અને પરિષદ આગળ પડતી સંસ્થાઓ છે. મહાસભાની સ્થાપના સાઠેક વર્ષ પહેલાં થઈ હતી. અત્યારે એના પ્રમુખ છે અજમેરનિવાસી શ્રેષ્ઠી ભાગચંદજી સોની. આ સંસ્થાનું વલણ વધારે પડતું રૂઢિચુસ્ત હોવાને કારણે સમાજમાં નવા વિચારોનો આદર અને પ્રચાર કરવાના ઉદ્દેશથી પાંત્રીશ વર્ષ પહેલાં ભા.દિ. જૈન પરિષદની સ્થાપના કરાઈ હતી. પરિષદના અત્યારના પ્રમુખ છે જાણીતા ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદજી જૈન.
જુનવાણી વિચારોની પુરસ્કર્તા હોવાને કારણે મહાસભા પંડિતપાર્ટી તરીકે ઓળખાતી હતી અને સુધારક વિચારસરણી ધરાવવાને કારણે પરિષદ “બાબુપાર્ટી' તરીકે ઓળખાતી હતી; અને એ રીતે એ બે સંસ્થાઓ વચ્ચે ક્યારેક-ક્યારેક વિચારઘર્ષણ પણ જન્મતું. તેથી સમાજના કેટલાક હિતેચ્છુઓ એ બે સંસ્થાઓનું એકીકરણ કરવા મથતા હતા, પરંતુ અત્યાર સુધી એ પ્રયત્નને સફળતા મળી ન હતી. . ગયા વર્ષમાં જબલપુરમાં જૈનો ઉપર ત્યાંના જૈનેતરોએ જે આક્રમણ કર્યું અને અત્યાચાર કર્યો, જૈન મૂર્તિઓને ખંડિત કરી અને જૈન શાસ્ત્રોને બાળી નાખ્યાં, તેથી, તેમ જ મધ્યપ્રદેશમાંનાં ચાર-પાંચ દિગંબર જૈન તીર્થોમાં સો ઉપરાંત જૈન મૂર્તિઓને ખંડિત કરવામાં આવી, એથી બધાને એમ લાગી ગયું, કે જો જૈનો સંગઠિત નહીં હોય, તો આવા વિષમ સમયમાં ટકી રહેવું એમને માટે બહુ મુકેલ છે. આથી જૈનોના બધા ય ફિરકાઓ વચ્ચે એકતા સાધવાના વિચાપ્રવાહો વહેતા થયા; પણ હજુ એના અમલને વાર હોય એમ, એ લાગણી અત્યારે તો શમી ગઈ લાગે છે.
પરંતુ બધા જૈન ફિરકાઓની એકતા સધાય ત્યાં સુધી રાહ જોઈને બેસી ન રહેતાં દિગંબર સમાજે આ દિશામાં પ્રયત્ન હાથ ધર્યા છે એ આનંદજનક બીના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org