________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૧૫
૨૬૭
આ તિથિચર્ચાનો જન્મ થયો ત્યારથી, જ્યારેજ્યારે તીર્થકરોના કલ્યાણક-દિનોને કારણે કે બીજા પર્વદિન નિમિત્તે, ચૌદશ-પૂનમની જેમ, બે પર્વતિથિઓ સાથેસાથે આવતી અને એ સાથેસાથે આવેલી બે પર્વતિથિઓમાંથી પાછળની પર્વતિથિ લૌકિક પંચાંગ પ્રમાણે બે આવતી ત્યારે તપગચ્છમાં પરાધનમાં ફેર પડતો. એટલે કે, જૂની પરંપરાને માનનારો પક્ષ પર્વનું આરાધન એક દિવસે કરતો તો નવો પક્ષ બીજા દિવસે.
દાખલા તરીકે, લૌકિક પંચાંગમાં તેરશ સોમવારે હોય, ચૌદશ મંગળવારે હોય અને બુધ તથા ગુરુવારે બે પૂનમ હોય તો જૂની પરંપરાવાળા બે તેરશ માનીને ચૌદશની આરાધના બુધવારે કરતાં અને પૂનમની આરાધના ગુરુવારે કરતાં. આમ કરવામાં જે વારે જે પર્વતિથિનો ઉદય કે ભોગકાળ હોય તે વારે તે પર્વતિથિનું આરાધન ન થતું હોવા છતાં એથી એક લાભ એ થતો કે એમની ચૌદશ તથા પૂનમ એ બંને પર્વતિથિઓની આરાધના અવ્યવહિત (સળંગ) થતી અને ચૌદશ-પૂનમનો છઠ્ઠ કરનારાઓ વચમાં કોઈ પણ જાતના ભંગ વગર બે ઉપવાસ કરીને એ બંને પર્વોનું આરાધન કરી શકતા. આ રીતે જૂની પરંપરા, વચમાં કોઈ પણ જાતના વ્યવધાન વગર બંને પર્વતિથિઓનું આરાધન એકસાથે થઈ શકે એ રીતે પોતાનાં પંચાંગો તૈયાર કરે છે. એટલે, જયારે પણ કોઈ ધર્મકાર્ય માટે, તેમ જ સંસાર-વ્યવહારના શુભ કાર્ય માટે પણ) મુહૂર્ત નક્કી કરવાનું હોય છે, ત્યારે તો આ જૈન પંચાંગનો નહીં પણ લૌકિક પંચાંગનો જ ઉપયોગ કરવામાં આવે છે તે સુવિદિત છે.
પરંપરાની આ પ્રણાલીની સામે નવો પક્ષ એનું આરાધન આ પ્રમાણે કરે છે : લૌકિક પંચાંગમાં તેરશ સોમવારે હોય, ચૌદશ મંગળવારે હોય અને બુધવારે તથા ગુરુવારે બે પૂનમ હોય, તો બે પૂનમના બદલે બે તેરશ માનીને આરાધના કરવાને બદલે, મંગળવારે ચૌદશ કરવી, બુધવારની પહેલી પૂનમને વધારાની પૂનમ ગણીને પૂનમની પર્વતિથિની આરાધના માટે ઉપયોગ ન કરવો અને ગુરુવારની બીજી પૂનમના રોજ પૂનમની પર્વતિથિની આરાધના કરવી. આમ કરવામાં જે વારે જે પર્વતિથિનો ઉદય કે છેવટે ભોગકાળ હોય તે વારે તે પર્વતિથિનું આરાધન કર્યાનો સંતોષ મળવા છતાં બંને પર્વતિથિઓનું આરાધન અવ્યવહિત એટલે સાથોસાથ ન થતું, પણ બે પર્વતિથિઓ વચ્ચે એક દિવસ નકામો ગણાતો. આને લીધે, આ પ્રસંગે, જે આરાધકો ચૌદશ અને પૂનમનો છઠ્ઠ કરતાં હોય એમને માટે એ વિમાસણ ઊભી થતી કે આ છઠ્ઠ અવિચ્છિન્નપણે કેવી રીતે કરવો ? એમણે તો છઠ્ઠના બદલે બે છૂટા ઉપવાસ જ કરવાના રહેતા. આ સ્થિતિ કંઈક બિનકુદરતી લાગતી હતી. પર્વતિથિ અંગે નવા પક્ષે સ્વીકારેલ પદ્ધતિની આ એક મોટી મર્યાદા કે ક્ષતિ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org