________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૮
૨૭૯
આ માન્યતા ઠગારી નીવડી, અને એક જ વર્ષ બાદ એ પક્ષના અંતરમાં રમી રહેલી ભયંકર મહત્ત્વાકાંક્ષાનું સમાજે ફરી વાર દર્શન કર્યું. કોઈ પણ જાતના સાચા કારણ વગર તેણે પોતાના અલગતાવાદનું પુનરુચ્ચારણ કર્યું. કાગનો વાઘ કર્યો હોય તો ય ઠીક, પણ વગર કાગે જ વાઘની બૂમ મારીને કૉન્ફરન્સનો બહિષ્કાર પોકાર્યો ! એને તો ગમે તેમ કરીને પોતાના પક્ષના જ વર્ચસ્વની પડી હતી.
આ માનસ જ્યારે તિથિચર્ચાના નિકાલ વગર એકતા ન સંભવી શકે એમ કહે છે, ત્યારે એ પોતાના ભૂતકાળથી ચાલ્યા આવતા અલગતાવાદનું જ પોષણ કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એને એમાં જ લાભ દેખાતો હોય તો એ એનો તરત ત્યાગ કરે એમ બનવું બહુ મુશ્કેલ છે.
આપણે ઈચ્છીએ કે અમારી આ માન્યતા ખોટી ઠરે અને એ પક્ષમાંના થોડાઘણા પણ તટસ્થ વિચારક મહાનુભાવો દેશ અને દુનિયાની પરિસ્થિતિના પ્રકાશમાં જૈન સમાજના કલ્યાણ-અકલ્યાણનો વિચાર કરીને, છેવટે આ પ્રશ્નને બાજુએ રહેવા દઈને પણ, સમાજને સાચે માર્ગે દોરે.
આ તો થઈ તિથિચર્ચાના જન્મદાતા પક્ષની વાત. પણ બે હાથે જ તાળી પડે એ ન્યાયે બીજા પક્ષે પણ આ માટે ઘણું કરવાનું રહે છે.
અમે પોતે તો ચોક્કસ માનીએ છીએ કે આ કે આના જેવી કોઈ પણ ચર્ચાને ખડકનું રૂપ આપવું એ જરા પણ વાજબી નથી; એમ કરવું એ અકુદરતી જ છે. માનવીનું હૃદય તો હંમેશા સમાધાનવૃત્તિના માર્ગે જ વળતું રહે છે.
એક પક્ષ આવો સમાધાનનો માર્ગ અપનાવવા રાજી ન હોય, તો બીજા પક્ષે અપાર ધીરજ દાખવીને એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી પહેલા પક્ષને સમાધાનનો માર્ગ સ્વીકારવાની ફરજ પડે કે એનું દિલ એમ કરવા લલચાય.
આ દૃષ્ટિએ જોતાં આ ચર્ચામાં બીજા પક્ષે પણ પોતાની પ્રવૃત્તિ સંયમિત કરવાની ભારે જરૂર છે. પક્ષાપક્ષીના વ્યામોહમાં પડીને બંને પક્ષે ન કહેવાનું કહ્યું છે અને ન કરવાનું કર્યું છે. ઊલટું, આથી સમાજની આબરૂને ભારે હાનિ પહોંચી છે.
સહુ શાસનની સાચી મા બનવાનો સંકલ્પ કરે, અને શરીરના ટુકડા કરીને પણ બાળકનો કબજો ચાહનાર પેલી નકલી મા બનવાથી અળગા રહે. સાચી નમ્રતા, સહૃદયતા, સચ્ચાઈથી કામ સફળ થયા વગર નહીં રહે એ નક્કી.
આ રીતે અમે બીજા પક્ષને વિનવીએ છીએ, કે કામ કરવાનાં બીજાં ઘણાં ય ક્ષેત્રો છે, અને આજની સ્થિતિમાં તિથિચર્ચાનો પ્રશ્ન હલ થઈ જાય એવું એક પણ ચિહ્ન નજરે પડતું નથી. એટલે તમારી શક્તિ કે સામગ્રીનો બીજી રીતે સદુપયોગ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org