________________
૨૬૨
જિનમાર્ગનું અનુશીલન (૧૩) તેરાપંથના પ્રચારની સામે ધરમૂળનો સાચો ઉપાય
છેલ્લાં ૪-૬ વર્ષથી તેરાપંથી જૈન સંપ્રદાયે પોતાના પ્રચારક્ષેત્રમાં સૌરાષ્ટ્રનો સમાવેશ કરીને સૌરાષ્ટ્રનાં જુદાંજુદાં સ્થળોમાં પોતાના સાધુઓ તેમ જ શ્રાવકપ્રચારકોને મોકલીને પોતાના પંથનો પ્રચાર શરૂ કરી દીધો છે.
મૂળે તેરાપંથી જૈન સંપ્રદાયનું મુખ્ય ક્ષેત્ર માળવા તેમ જ નાની મારવાડનો કેટલોક પ્રદેશ, મોટી મારવાડ એટલે સ્થળી-પ્રદેશ અને મેવાડ – એ ગણાતું હતું. ઉપરાંત કલકત્તા, મુંબઈ, સુરત જેવાં શહેરોમાં પણ એના અનુયાયીઓ સારી સંખ્યામાં તેમ જ સુખી-સમૃદ્ધ સ્થિતિમાં હતા, છે. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી પોતાના પંથનો પ્રચાર વધારવાનો એ સંપ્રદાયે વ્યવસ્થિત પ્રયત્ન આરંભી દીધો હોય એમ એ સંપ્રદાયની અત્યારની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરથી સહજમાં સમજાય છે. આ પ્રવૃત્તિઓમાં તેઓએ કેટલાંય નવાં-નવાં સામયિકો-વર્તમાનપત્રો શરૂ કર્યા છે, પોતાના સાધુ અને શ્રાવકપ્રચારકોને જુદાજુદા અપરિચિત પ્રદેશોમાં મોકલવાની સગવડ કરી છે, ધર્મ-પ્રચાર નિમિત્તે અઢળક નાણું ખર્ચી શકાય એવી જોગવાઈ કરી રાખી છે, દયા અને દાનના નિષેધક પંથ તરીકેની પોતાની જૂની આબરૂ જનતાના ધ્યાનમાં ન આવી જાય એવી કુનેહભરી રીતે પોતાના નવીન સાહિત્યનું પ્રકાશન શરૂ કર્યું છે, તેમ જ દેશના અને પરદેશના રાજદ્વારી કે બીજા આગેવાનો કે વિદ્વાનો-પંડિતો સાથે પોતાના પંથના આચાર્યની મુલાકાતો ગોઠવીને એના આકર્ષક અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રગટ થતા રહે એવી વ્યવસ્થા કરી છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે બધા ય જૈન ફિરકાઓમાં પોતાના પ્રચાર માટે વધારેમાં વધારે જાગૃત તેરાપંથી સંપ્રદાય છે.
પંથ-પ્રચારના આ પ્રયત્નના એક અંગ રૂપે તેઓએ સૌરાષ્ટ્રના પ્રદેશને પસંદ કર્યો હોય એમ લાગે છે. આમાં થોડીક નવાઈ એ વાતની થાય છે, કે મારવાડ, મેવાડા અને માળવાની લગોલગ આવેલ ગુજરાતને બાજુએ રાખીને તેઓએ સૌરાષ્ટ્રના પ્રદેશ ઉપર જ પોતાની પસંદગી ઉતારી ! સંભવ છે, પોતાના પંથ-પ્રચારના કાર્ય માટે તેઓને સૌરાષ્ટ્રની ધરતી વધારે ફળદ્રુપ લાગી હોય. ગમે તેમ, પણ એટલું ખરું, કે શ્રી કાનજીસ્વામીના નવા જૈન સંપ્રદાયની સ્થાપના પછી, સૌરાષ્ટ્રમાં તેરાપંથી સંપ્રદાયના પ્રચારનું નવીન કાર્ય આરંભાઈ ગયું છે. છેલ્લા સમાચાર એવા મળ્યા છે, કે હાલ તુરત માટે તેરાપંથના પ્રચારકો સૌરાષ્ટ્રની ભૂમિમાંથી વિદાય લે છે. પણ આના ઉપરથી એમ તો ન જ કહી શકાય, કે એમના સ્થાને બીજા પ્રચારકો નહીં જ આવે; કદાચ અત્યારના કરતાં વધુ કાબેલ અને ચતુર પ્રચારકો લાવવાની યોજનાનો જ આ એક ભાગ હોય. જે હોય તે, આપણે તો એની સામેના સાચા ઉપાયનો વિચાર કરવાનો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org