________________
૨૪૬
જિનમાર્ગનું અનુશીલન ગાદલાં-ગોદડાં અને બીજાં સાધનોનો જે બેદરકારીભરી રીતે ઉપયોગ કરીએ છીએ, તે તો આપણામાં જાણે સંસ્કારિતાનો અંશ પણ ન હોય એવું સૂચવે છે.
આમ ધર્મના પ્રત્યેક ક્ષેત્રમાં એક બાજુ દેખીતી ભાવના અને ભક્તિ પ્રવર્તે છે, તો બીજી બાજુ અવ્યવસ્થા અને બેદરકારી પ્રવર્તે છે, અને તે આપણને એક સંસ્કારસંપન્ન, જવાબદાર, સમજદાર સમાજ બનતા રોકે છે.
શું આ સ્થિતિ સુધારી શકાય એવી છે ? અને એને સુધારવા શું કરવું જોઈએ? આ સ્થિતિ સુધારી શકાય એમ નથી એવું કહેવું એ તો સમાજવિકાસ કે આત્મવિકાસની શકયતાનો જ ઈન્કાર કરવા બરોબર લેખાય.
આ સુધારો કરવાનો પ્રારંભિક ઇલાજ છે પહેલાં પોતાની જાતને સુધારવી તે, અને પછીનો ઇલાજ છે આપણા સમાજને વ્યવસ્થાની કેળવણી આપવી એ. સમાજની કેળવણીનું આ કામ આપણા આગેવાનો અમુક અંશે કરી શકે; પણ એ કામ સરળતાપૂર્વક કરવું હોય તો આપણા ગુરુવર્ગે આ વાતનું મહત્ત્વ સમજી લઈને એ માટે સમાજને સતત. માર્ગદર્શન અને પ્રેરણા આપતાં રહેવું જોઈએ.
સમાજનાં સ્ત્રી-પુરુષો કે બાળક-બાળિકાઓને વ્યવસ્થાની કેળવણી આપવાનું અને એ રીતે એમને જવાબદાર નાગરિક બનાવવાનું આ કામ ધર્મોપદેશ કરતાં જરા ય ઊતરતું નથી. ઊલટું સાચું ધર્મપરાયણ જીવન જીવવા માટેની યોગ્ય ભૂમિકા તૈયાર કરતું હોવાથી આ કામ સવિશેષ મહત્ત્વનું અમને લાગે છે.
આપણા ધર્મગુરુઓ મોટા પ્રમાણમાં સમાજનો સતત સંપર્ક સાધી શકે છે તે દૃષ્ટિએ જો તેઓ સમાજને આ દિશામાં કેળવવાનું કાર્ય ઉપાડે, તો એ સમાજ ઉપર મહાન ઉપકારરૂપ બની શકે એમ છે. '
જીવનના નાના કે મોટા પ્રત્યેક ક્ષેત્રમાં પ્રામાણિકતા, વ્યવસ્થા ને સુઘડતા બતાવીને જ માનવી પોતાની પ્રગતિની સાચી દિશા મેળવી શકે, અને સમાજને પણ આગળ વધારી શકે. આ સમાજનો અભ્યદય સાધવા જેવું જ મહત્ત્વનું કામ છે.
અને જો આવી મૂળભૂત કેળવણીથી સમાજ વંચિત રહે, તો બીજા ધર્મોપદેશોનું પરિણામ સરવાળે ધૂળ ઉપર લીંપણ કરવા જેવું જ આવે. આવું ન થાય અને આપણો સમાજ એક સાચા સંસ્કાએમી, વ્યવસ્થાપ્રેમી સમાજ તરીકેની નામના મેળવે એ માટે આ કાર્ય પ્રત્યે સવિશેષ ધ્યાન આપવા આપણા ગુરુવર્ગને ભારપૂર્વક વિનવીએ છીએ.
(તા. ૧૫-૯-૧૯૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org