________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૮
૧૬૩
પુસ્તકો છપાવવાની અને નામના મેળવવાની ઝંખના, મોટા પાયા પર ઉત્સવો યોજવાની અને વાહવાહ બોલાવવાની તમન્ના – આ બધા મનના વિકારો છે. અને જ્યાં સુધી આ બધું દૂર ન થાય ત્યાં સુધી સાધુવેશે પણ આધ્યાત્મિક વિકાસને વેગ મળી શકે નહિ.
શ્રાવક-શ્રાવિકાઓએ પણ આ વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. તેઓએ ચારિત્ર અને સંયમને જ નમવું જોઈએ. કોઈ સાધુ-સાધ્વી સારું વ્યાખ્યાન વાંચે તેમાં બધું સમાઈ જતું નથી, તેની સાથે તેમનું ચારિત્ર અને સંયમનું ધોરણ પણ ઊંચું જોઈએ. આજે સારા વક્તાઓ ઘણા મળી આવશે, પરન્તુ મહાત્મા ગાંધીજીના શબ્દોનું જે વજન પડતું તેનું વજન તેમનું પડતું નથી, તેનું કારણ એ છે ગાંધીજીના શબ્દો પાછળ ચારિત્ર્યનું બળ હતું તેમનાં વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા હતી. એટલે જે સાધુ-સાધ્વીજીઓમાં મોહ, મમતા, પરિગ્રહ કે વાસના જોવામાં આવે તેને શ્રાવકશ્રાવિકાઓએ નિભાવવાં જોઈએ નહિ; તેમ કરવું એ સાધુ-સાધ્વીઓની સેવા નથી પણ કુસેવા છે, શિથિલાચારમાં ભાગીદાર બનવા સમાન છે.
મૂળ વતમાં ખામી અને સામાન્ય બાબતોમાં છૂટછાટ વચ્ચે જે તફાવત છે, તે પણ આપણે સમજી લેવો જરૂરી છે. મૂળ વતની ખામીને આપણે ક્ષણવાર માટે પણ ચલાવી લેવી ન જોઈએ, પરંતુ સમયાનુકૂળ સામાન્ય આચાર-વિચારનું પરિવર્તન અને છૂટછાટને આપણે તે કોટીમાં મૂકવાની ભૂલ પણ ન કરવી. કોઈ સાધુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરે અને અન્ય સાધુ સંજોગવશાત્ છૂટ લઈને રાત્રે પ્રવચન કરે, તો તે બંને એક કોટીનાં ન ગણાવી શકાય. કોઈ સાધુ દોરા-ધાગા કરે અને સમાજને ભરમાવે અને અન્ય સાધુ ધ્વનિવર્ધક યંત્રમાં બોલે, તેને પણ એકસરખી કોટીમાં મૂકી શકાય નહિ... આમ છતાં શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાં માની લીધેલાં સાધુસાધ્વીજીઓની મૂળ વતની ખામીને પણ ઢાંકવાનો પ્રયત્ન કરતાં જોવામાં આવે છે,
જ્યારે બીજાં સાધુ-સાધ્વીજીઓની સામાન્ય નાની બાબતોની ખામીને પણ પહાડનું રૂપ આપી દે છે..
સાધુ-સાધ્વીજીઓએ પણ આ બાબતમાં પોતાનું વલણ બદલવું જોઈશે. કેટલાંક સાધુ-સાધ્વીજીઓ પણ આ જાતની સામાન્ય છૂટછાટને શિથિલાચારનું રૂપ આપીને, તેમને શિથિલાચારીમાં ગણવા અને પોતાને ઉચ્ચ કોટિના ગણાવવા પ્રયત્ન કરે છે. આ જાતની માન્યતા દૂર કરીને જ આપણે મતભેદોનો ઉકેલ આણી શકીશું અને શ્રમણસંઘને એક અને અવિભાજ્ય બનાવી શકશું...”
શ્રી ચીમનભાઈએ સાધુસંઘની શુદ્ધિ અને શ્રાવકસંઘની જાગૃતિ અંગે જે વિચારો ઉપર વ્યક્ત કર્યા છે, તે અત્યારે આપણે ત્યાં પ્રવર્તતા વિચારોનો વ્યવસ્થિત પડઘો જ છે એમ કહી શકાય. આવી વિષમ પરિસ્થિતિથી સાવધ બનીને એ માટે સત્વર યોગ્ય ઉપાયો હાથ ધરવાની જરૂર છે.
(તા. ૧૬-૨-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org