________________
૧૯૬
જિનમાર્ગનું અનુશીલન શક્યાં, એને કારણે જ એમની પરંપરામાં છેક શરૂઆતથી અધ્યયનની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં તેઓ પાછળ રહી ગયાં છે. થોડોક જ પ્રયત્ન કરવામાં આવે તો એમની પ્રતિભા જરૂર ચમકી ઊઠે. એકબીજાને મળવાથી આગળ વધવાની ભાવના જરૂર જાગી ઊઠશે. તેરાપંથી સાધ્વીઓએ તો આગમ-કાર્યમાં પણ ઘણો ફાળો આપ્યો છે એ “જૈન-ભારતી'ના તા. ૧૧-૧૨-૧૯૬૬ના અંક ઉપરથી સારી રીતે જાણી શકાય છે.”
શ્રી નાહટાજીએ ચારે ય ફિરકાનાં સાધ્વીઓના વિકાસનું જે અવલોકન ઉપર રજૂ કર્યું છે, તે સ્વીકારવું પડે એવું છે. તેમાં ય તેરાપંથી ફિરકાના સાધ્વીઓએ છેલ્લા એકાદ દાયકા જેટલા ટૂંકા સમયમાં જે વિકાસ સાધી બતાવ્યો, તેની ગૌરવકથા તો આપણને અચરજમાં નાખવાની સાથેસાથે અનેક બાબતો સમજાવી જાય છે. સૌથી મોટી અને અગત્યની વાત તો આ ઉપરથી એ જાણવા મળે છે, કે કોઈપણ વ્યક્તિ - ભલે પછીએ સ્ત્રી હોય કે પુરુષ – એને વિકાસની તક, સામગ્રી અને મોકળાશ આપવામાં આવે તો એ સ્ત્રી-પુરુષના ભેદને બાજુએ રાખીને, પૂરેપૂરો વિકાસ સાધી શકે છે, સાધી બતાવે છે. કોઈ પણ ધર્મના વડા ચાહે તો સ્ત્રી-પુરુષના ભેદને ગૌણ બનાવીને સહુ કોઈને વિકાસની એકસરખી પ્રેરણા આપી શકે છે; આચાર્ય તુલસીનું આ દિશાનું માર્ગદર્શન બીજાઓને માટે દાખલારૂપ અને પ્રેરક બની શકે એવું છે. એમ કહેવું જોઈએ કે આચાર્ય તુલસીની દીર્ઘદર્શી આગેવાની નીચે સમગ્ર તેરાપંથી ફિરકાની કાયાપલટ થઈ રહી છે, તેમાં ય સાધ્વી-સમુદાયને તો નવજીવન જ મળ્યું છે. આથી સરવાળે આખા સંઘનું તેજ વૃદ્ધિ પામવાનું છે.
વળી, જૈન આત્મસાધકોએ આત્મશક્તિનું જે દર્શન કર્યું અને જૈનદર્શને એના આધારે આત્મશક્તિની જે પ્રરૂપણા કરી, એ દષ્ટિએ વિચાર કરતાં કીડીથી કુંજર સુધીનાં અને પશુ-પંખીથી તે દેવ-માનવ સુધીનાં કલેવરમાં વસતા આત્માની શક્તિ તાત્વિક કે પારમાર્થિક રીતે તો એકસરખી જ માનવામાં આવી છે, અલબત્ત, કોઈક દેહધારીમાં આત્મશક્તિ વધારે પ્રગટી હોય, કોઈમાં એ ઓછી પ્રગટી હોય અને કોઈમાં એ સુષુપ્ત જેવી દશામાં હોય એ બને. જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી પુરુષ વધારે વિકાસ સાધી શકે અને સ્ત્રી ઓછા વિકાસની અધિકારી છે એ માન્યતા ભ્રમપૂર્ણ છે.
ભગવાન મહાવીરે (અને બીજા તીર્થકરોએ પણ) જ્યારે સ્ત્રીને પુરુષની જેમ જ મોક્ષની અધિકારી માની છે અને ભિક્ષુઓના સંઘની જેમ જ ભિક્ષુણીઓના સંઘને પણ માન્ય રાખ્યો છે, તો પછી સાધ્વી-સમુદાય જ્ઞાન-ક્રિયાની આરાધના કરવા માટે પણ અમુક જ શાસ્ત્ર ભણી શકે અને અમુક ન ભણી શકે, અમુક કામ કરી શકે અને અમુક ન કરી શકે – એવા અવરોધો ઊભા કરવા તે વ્યર્થ છે. આમ છતાં આવા અવરોધોને શાસ્ત્રના પવિત્ર નામે આગળ ધરવા એ કેવળ પુરુષ પ્રધાનતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org