________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજજતા અને આચારશુદ્ધિઃ ૪૫
૨૦૯
ચારે તરફ જાણે સ્તબ્ધતાનું જ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. વાણીનો પ્રવાહ જાણે ઘડીભર થંભી ગયો; ન કોઈ બોલે કે ન કોઈ ચાલે !
પણ સ્તબ્ધ દેખાતા શાન્ત મહેતાનું મન જાગતું હતું. તેમણે આ મહાવ્યાધિનો ઉપાય શોધી કાઢ્યો હતો, અને એ ઉપાય એમણે બિલકુલ સહજ ભાવે તદ્દન સ્વસ્થ ચિત્તે અને કોઈ પણ જાતનો દુર્ભાવ દર્શાવ્યા વગર અજમાવવો શરૂ કર્યો – જાણે, પોતાની સામે વારવનિતામાં મોહાંધ બનેલ કોઈ પતિત સાધુ નહીં પણ ગુરુ ગૌતમના અવતારસમાં તપ, ત્યાગ અને સંયમના પાલનહાર સાચા સાધુ બિરાજતા હોય એમ માની એમણે પોતાનું ઉત્તરાસંગ હાથમાં લઈ, પંચાંગ-પ્રણિપાત કરી, વિધિપૂર્વક એ સાધુને વંદન કર્યું અને તેમને સુખશાતા પૂછી. પછી ક્ષણ-બે ક્ષણ પોતે ત્યાં બેઠા અને ફરી પ્રણામ કરી પોતાના માર્ગે સ્વસ્થપણે ચાલતા થયા: જાણે, પોતે કશું જ દુઃખકર દશ્ય જોયું ન હોય !
પણ પેલા પતિત ચૈત્યવાસી ઉપર એ સ્વસ્થતા જાણે જાદુઈ ચમત્કાર કરી ગઈ. કોઈ ગારડી મહામંત્રનો પ્રયોગ કરી મોટા ભોરિંગને વશ કરે, એમ શાન્ત મહેતાના આ વર્તનથી ચૈત્યવાસી એકદમ અંતર્મુખ બની જાણે પોતાની અધોગતિ નીરખવા લાગ્યો; ને એની આંખો ઊંચી થાય છે, ન એ એની પ્રેમિકા વેશ્યા તરફ ડોકિયું ય કરે છે. એ તો જાણે અંતરના ઊંડાણમાં જ ડૂબી જઈને બહારની દુનિયાને વીસરી ગયો. એ ડૂબકીએ તો જાણે ક્ષણવારમાં એનાં જુગજુગ-જૂનાં પાપો અને વાસનાઓને વેગળાં બનાવી દીધાં!
અને એક ધન્ય પળે પાટણનાં નર-નારીઓએ જોયું કે એ પતિત ચૈત્યવાસી સાચા વૈરાગ્યરસનો આશક બનીને પોતાના સર્વસ્વનો ત્યાગ કરી તે વખતના સમર્થ આચાર્ય મલધારી હેમચંદ્રસૂરિના શરણે જઈ બેઠો; અને એમની પાસેથી આત્મસાધનાનો ગુરુમંત્ર લઈને, અનંત આત્માઓના તારણહાર તીર્થાધિરાજ શત્રુંજયની છાયામાં ઉગ્ર તપ તપી કર્મમળને દૂર કરવા પુરુષાર્થ ફોરવવા લાગ્યો. કુકર્મચૂર ચૈત્યવાસી ઘડીના છઠા ભાગમાં ધર્મશૂર બની ગયો !
મંત્રીશ્વર શાન્ત મહેતાનું સમયજ્ઞતારૂપી વૃક્ષ જાણે અમરફળોથી પાંગરી ઊડ્યું! સંસારની સંજીવની સમી સાધુતાનો જય-જયકાર થયો.
આત્માને પંથે પળેલ પેલા સાધુરાજ આકરાં તપશ્ચરણો કરીને જાણે પોતાની આત્મસાધનાની મજલમાં આગળ ને આગળ વધી રહ્યા; ન એમને કાયાનો મોહ છે, ન વાસના. એ તો સદાકાળ ધર્મમાર્ગમાં જ મગ્ન રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org