________________
૨૧૨
જિનમાર્ગનું અનુશીલન આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.ના. શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીને તીવ્ર પાપોદવાળા, શ્રી સિદ્ધિસૂરિજી મ. ની પાટને કલંકિત કરનારા અને શ્રી સિદ્ધિસરિજી મહારાજે આજ્ઞા બહાર કરેલા હોવા તરીકે જાહેર કર્યા હતા.
વાત એમ બનેલ, કે તે દિવસે સંમેલનમાં પૂજ્ય પં. શ્રી રાજેન્દ્રવિજયજી મ શ્રીનાં સમભાવી વક્તવ્યનો ખુલાસો કરતાં આ. શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે “રતલામ, કેસરિયાજી પ્રકરણ વગેરે બાબતોનો વિચાર કરવાનો છે, તેમાં તો કોઈ જ વિરોધ કરવાના નથી, તેમાં તો કોઈ આડે આવે તેમ નથી.' તે વાક્ય બોલાતું હતું તેમાં મુનિ હંસસાગરજીએ વચ્ચે જ વાત મૂકી : “એ સાથે પૂજાપદ્ધતિ નામના પુસ્તકનો પણ વિચાર કરવાનો . તરત જ આ. શ્રી રામચંદ્રસૂરિજીએ કહ્યું કે – “તેનો પણ વિરોધ કરવામાં બધા એકમત છે અને બધાની સંમતિ છે. કલ્યાણવિજયનો તીવ્ર પાપોદય, કે જેમને વીતરાગ પરમાત્માની પૂજા અટકાવવાની દુર્બદ્ધિ થઈ, તેમણે તો આ. શ્રી સિદ્ધિસૂરિજીની પાટને કલંક્તિ કરી છે. એના પ્રતાપે તો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે તેઓને આજ્ઞા-બહાર પણ કર્યા છે. આ પ્રભુપૂજા પ્રતિની ધગશના ઉદ્ગારો સાંભળીને સૌ ચકિત થયા હતા.”
આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પંન્યાસજી મહારાજ માટે જે આકરાં, અહંભાવભર્યા અને અનિચ્છનીય વેણ ઉચ્ચાર્યા છે તે જોતાં, આશરે નવસો વર્ષ પહેલાંનો આચાર્યશ્રી અભયદેવસૂરિનો યુગ સાંભરી આવે છે. આજે જેમને નવાંગીવૃત્તિકાર' તરીકે સંભારતાં અને સન્માનતાં આપણે થાકતા નથી, તે આચાર્ય અભયદેવસૂરિજીએ આગમોની સંસ્કૃત વૃત્તિઓ ટીકાઓ) લખવાનો આરંભ કર્યો, ત્યારે તે વખતના અંધશ્રદ્ધાળુ રૂઢિચુસ્ત ગૃહસ્થો અને સાધુઓએ એમને પરેશાન કરવામાં અને ખાસ કરીને એમની નિંદા કરવામાં કશી કચાશ નહોતી રાખી. શ્રી અભયદેવસૂરિજીને કોઢનો વ્યાધિ થયો. તો એ પ્રત્યાઘાતી લોકોએ કહી દીધું કે “અંગો' ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્સુત્ર પ્રરૂપણ આવી જવાને લીધે, તેમને શિક્ષારૂપે કોઢ જેવો ભયંકર વ્યાધિ થયો છે! અંધ રૂઢિચુસ્તતાએ તો હંમેશાં આવું જ કામ કર્યું છે. એટલે પંન્યાસજી મહારાજ માટે આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને આવો કઠોર વચનપ્રયોગ કરતા જોઈને નવાઈ નથી લાગતી. આ શબ્દો, આપણે ક્યાં ઊભા છીએ અને આપણી સ્થિતિ કેવી છે એનો બરાબર ખ્યાલ તો આપે જ છે.
વિશેષ ખેદની વાત તો એ છે કે મૃષાવાદ-વિરમણનું મહાવ્રત, ભાષાસમિતિ કે વચનગુપ્તિ એ ત્રણમાંનો એક પણ ગુણ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિને આવો કઠોર શબ્દપ્રયોગ કરતાં ન રોકી શક્યો. પોતાની મરજી પ્રમાણે સ્વર્ગ કે નરકની ચિઠ્ઠીઓ આપીને માનવીઓને સ્વર્ગ કે નરકના અધિકારી બનાવનાર પોપનો યુગ જાણે જીવતો થયો હોય, એમ જ ક્ષણભર લાગી જાય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org