________________
૨૨૬
જિનમાર્ગનું અનુશીલના જૈન સમાજમાં પ્રવર્તતા આ સંઘર્ષના કારણે એકંદરે નવીન વિચારસરણીના પુરસ્કર્તાઓને ઠીક-ઠીક સહન કરવું પડ્યું છે, અને પડે છે. સામાન્ય સાંપ્રદાયિક તિરસ્કાર, “નાસ્તિક’ કે ‘મિથ્યાત્વી” જેવાં વિશેષણો અને કોઈ-કોઈ વાર તો સંઘબહિષ્કાર જેવા પ્રસંગો એમને વેઠવા પડ્યા છે. પણ આજે સમાજમાં પ્રવર્તતા વાતાવરણને પારખવાની જેઓ શક્તિ ધરાવે છે, તેવા તટસ્થ વિચારકો એટલું તો જરૂર કહી શકે કે એમણે જે કંઈ સહન કર્યું હતું, તે એળે નથી ગયું; એટલું જ નહીં, પણ જૂનાઓને પણ હવે એ પ્રવાહનું રહસ્ય સમજાવા લાગ્યું છે.
આજે જ્યારે જૈન સમાજમાં સંપ કે એકતાની વાત ઠીક-ઠીક પ્રમાણમાં ચર્ચાવા લાગી છે, તે પ્રસંગે જૂના ગણાતાં અને નવીન ગણાતાં માનસો કેવી ચૂપચાપ રીતે એકબીજાની નજીક આવીને ઊભાં રહી ગયાં છે – અરે, કોઈ-કોઈ પ્રસંગે તો એકબીજાનું જુદાપણું વીસરી જઈને સાવ એક જેવાં થઈ ગયાં છે – એ જાણવું ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે. કોઈ-કોઈ વાર તો એવા પણ વિચારો જાણવા મળે છે, કે જો એ વિચારના પુરસ્કર્તાનું નામ ન જાણીએ, તો આપણને એમ જ લાગે કે આ કોઈ સુધારણાપ્રેમી વ્યક્તિના વિચારો હશે. ત્યારે જરૂર એમ થયા વગર નથી રહેતું કે સમયનો પ્રભાવ કહો કે ગમે તે કહો, પણ આજે જૂના અને નવા પ્રવાહો ઘણા નજીક-નજીક આવવા લાગ્યા છે. આ એક શુભ ચિહ્ન ગણી શકાય.
આ માટે છેલ્લા એકાદ વર્ષના ગાળામાં જે. મૂ. જૈન સમાજમાં બનેલ બે-ચાર પ્રસંગો આપણે જોઈશું તો આ વાત વધુ સારી રીતે સમજી શકાશે.
મુંબઈ ઇલાકાનાં ધાર્મિક કે સખાવતી ટ્રસ્ટોની તપાસ માટે મુંબઈ સરકારે નીમેલ ટેન્ડલકર કમિટી સમક્ષ જૈન સમાજ વતી જે મહાનુભાવોએ જુબાની આપી હતી, તેમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ (તા. ૨૧-૪-૧૯૪૮ના રોજ) અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ (તા. ૨૨-૫-૧૯૪૮ના રોજ) પણ જુબાનીઓ આપી હતી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવું અંતર ધરાવતા આ બંને મહાનુભાવોની જુબાનીઓ પણ
જ્યારે નવીન મંદિર બંધાવવા માટે સરકારી પરવાનગી મેળવવાનું નિયમન સ્વીકારવાની એક વિવાદાસ્પદ બાબતમાં પૂરી સહમતી દર્શાવતી જણાઈ, ત્યારે જરૂર એમ થયું, કે સમયનો પ્રવાહ પોતાનું કામ કર્યું જ જાય છે. આ રહ્યા એ બંને મહાનુભાવોના એ અંગેના શબ્દો –
શેઠ કસ્તૂરભાઈ : “નવું મંદિર બાંધવા સંબંધમાં તમો કાંઈ બંધન મૂકો તો તેના સામે મને કોઈ પણ વાંધો નથી.”
શ્રી પરમાનંદભાઈ : “હું તો એવો કાયદો કરવાની સૂચના કરું છું, કે જેથી કોઈ પણ નવીન મંદિર બંધાતાં પહેલાં સરકારની ફરજિયાત પરવાનગી લેવી જ પડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org