________________
૨૪
જિનમાર્ગનું અનુશીલન આ બે મુનિસંમેલનની કાર્યવાહીની સામે શ્રાવકસંમેલને માત્ર બે જ દિવસ જેટલા ખૂબ ટૂંકા સમયમાં સફળતાપૂર્વક પૂરી કરેલી કાર્યવાહીની સરખામણી કરવા જેવી છે. શ્રાવકસંમેલન જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકર્યું, તેનું કારણ સંઘને અત્યારની અનિચ્છનીય સાચી પરિસ્થિતિથી માહિતગાર કરીને આપણા આગેવાનો દ્વારા મહિનાઓની જહેમતથી રચાયેલી પૂર્વભૂમિકા, પરિસ્થિતિને પારખવાની અને એ માટે જરૂરી ઉપાયો યોજવાની શ્રાવકસંઘની તત્પરતા, તેમ જ આગેવાનોની દીર્ઘદૃષ્ટિ, નિખાલસતા અને નિષ્ઠા છે, જ્યાં વિષમ પરિસ્થિતિને સરખી કરવાના ઉપાયો શોધવાની વ્યવહારુ દષ્ટિ કામ કરતી હોય, ત્યાં ખૂબ મુશ્કેલ લાગતું કામ પણ કેવી સરળતા તેમ જ સફળતાપૂર્વક પાર પડે છે એનું આ એક જ્વલંત ઉદાહરણ છે.
વળી, પહેલા મુનિસંમેલન અને આ શ્રાવકસંમેલનની કામગીરી વચ્ચેનો એક બીજો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે. પહેલું મુનિસંમેલન અઠવાડિયાંઓની જહેમતને અંતે સફળ તો થયું, પણ એણે પટ્ટકરૂપે જે નિર્ણયો કર્યા તેને અમલી રૂપ આપવા માટેનું એક સબળ વ્યવસ્થાતંત્ર રચવાની દીર્ઘદ્રષ્ટિ ન દાખવી. એટલે એ નિર્ણયોથી શ્રીસંઘને જેટલા પ્રમાણમાં લાભ થવો જોઈતો હતો, તેટલા પ્રમાણમાં ન થઈ શકયો. આ વાત શ્રાવકસંમેલનના ધ્યાન બહાર ન ગઈ; અને એણે શાણપણ અને દૂરંદેશી વાપરીને પોતે લીધેલ નિર્ણયોનો અમલ થઈ શકે એ માટે એક સ્વતંત્ર (ત્રીજા) ઠરાવ દ્વારા શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘસમિતિની સ્થાપના કરી; અને એમ કરીને એક સબળ વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું. આ સંમેલનની કાર્યવાહીનો સાચો લાભ આ સંઘસમિતિની જાગૃતિ કાર્યવાહી ઉપર જ આધાર રાખે છે.
શ્રાવક-સંમેલને પહેલેથી જ માન્યું છે તેમ, શ્રમણ સમુદાયની આચારશુદ્ધિમાં અત્યારે જે કંઈ ખામી આવી ગઈ છે તે દૂર કરવાનું કામ સહેલું નથી; અને એ ખામીઓ દૂર કરવાની જવાબદારી સાધુ-સમુદાય પોતે જ પોતાને શિરે ઉઠાવે એ જ સુધારણાનો સાચો માર્ગ છે. આમ છતાં, અત્યારની ઠીકઠીક વણસેલી સ્થિતિ જોતાં, આ કામ કોણ કરે એ પ્રશ્નને સ્થાને ગમે તે રીતે આચારશુદ્ધિનું કામ થવું જ જોઈએ એજ પ્રાણપ્રશ્ન લેખાવો જોઈએ. એટલે આ કામ કોણ કરે, એની ચર્ચામાં વધુ કાળક્ષેપ ન કરતાં, ગાય વાળે તે ગોવાળ' એ શાણી શિખામણને અનુસરવું જોઈએ.
વળી, એક દૃષ્ટિએ વિચારીએ, તો ખૂબ મુશ્કેલ લાગતું આ કામ, શ્રમણ સંઘ આ માટે થોડોક પણ જાગૃત બને અને શ્રમણસંઘની પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારીનો વિચાર કરીને એને અનુરૂપ પોતાની જીવચર્યાને નવેસરથી ગોઠવવાની અને જે કંઈ ક્ષતિઓ જાણ્યે-અજાણ્ય પ્રવેશી ગઈ હોય એને દૂર કરવાની તૈયારી અને સરલતા દાખવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં પાર પડી શકે એવું આ કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org