________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬, ૪૭ ૨૧૫
આપણે આવું જ આંધળે બહેરું ચાલવા દેવું છે કે જાગવું છે એનો વિચાર જૈનસંઘે પોતે જ કરવાનો છે.
(તા. ૩૦૫-૧૯૫૯)
(૪૭) દમન અને સંયમ વચ્ચેની ભેદરેખાઃ
એક વિનમ્ર સાધકનો મત
અમારા તા. ૧૮-૧૧-૧૯૭૮ના અંકના “શ્રી રજનીશજીની દુરાચારને પ્રોત્સાહન આપતી વિકૃત વિચારસરણીથી ખૂબ ચેતતા રહેવાની જરૂર' શીર્ષકના અગ્રલેખના અનુસંધાનમાં અને એની એક ઉપયોગી પૂર્તિરૂપે, આપણા જાણીતા તત્ત્વચિંતક અને ધ્યાનયોગના સાધક મુનિવર્ય શ્રી અમરેન્દ્રવિજયજીએ નિર્દેશેલી દમન અને સંયમ વચ્ચેની ભેદરેખાને સમજવાનું ઉપયોગી થઈ પડશે. તેઓ શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવના આધારે કહે છે –
કેટલાક કહે છે કે, “આંતરિક વિકાસ થયે સંયમ કે ત્યાગ સ્વયં પ્રગટે છે. સ્વયે આવતા સંયમ કે ત્યાગ આવકાર્ય છે; પણ ઇચ્છા કરીને, સંકલ્પ કરીને કરેલ ત્યાગ એ તો દમન છે, અને દમન હંમેશા અભિશાપ છે.' કિંતુ અહીં પણ એ સમજવું જોઈએ કે અનિચ્છાએ – કોઈ બાહ્ય દબાણવશ – કરાતો ત્યાગ એક વસ્તુ છે, અને સ્વસ્થપણે, પોતાના હિતાહિતનો વિચાર કરી, વ્યક્તિએ સ્વયં સ્વીકારેલ સંયમ એ જુદી ચીજ છે. આવો કોઈ સંયમ સ્વીકાર્યા વિના, પૂર્વ સંસ્કારવશ જે કંઈ આવેગો અને વિકારો અંતરમાં ઊઠે, તેના ચાળે ચઢીને જ જો જીવન વિતાવવાનું હોય તો એ પશુ જીવન જ રહેવાનું, એ કદી સાધકનું જીવન નહીં બની શકે.”
આ રીતે આંતરિક વિકારોનું દાસપણું સ્વીકારવાથી થનાર જીવનની બરબાદી તરફ ધ્યાન દોરીને ફ્રોઈડ અને આપણા આર્ષદ્રષ્ટાઓના દર્શન વચ્ચેનો પાયોનો ભેદ દર્શાવતાં મુનિશ્રી કહે છે –
સાધકનું ધ્યેય સર્વ પ્રાકૃતિક આવેગો અને આવેશોથી ઉપર ઊઠવાનું જ રહેવું જોઈએ. ફ્રોઈડના વિચારોથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે એમ માનતોવિચારતો થયો છે, કે “કામ એ માણસની સહજ વાસના છે, એને રૂંધવી ન જોઈએ. આ પ્રાકૃતિક આવેગને મુક્તપણે અભિવ્યક્ત થવા ન દેવાય તો અજાગૃત મનમાં ગ્રંથિઓ બંધાય છે અને તે શારીરિક કે માનસિક વિકૃતિઓ જન્માવે છે.” સંયમને તિલાંજલિ આપવા તૈયાર થયેલો આ વર્ગ અધ્યાત્મમાર્ગના જ્યોતિર્ધરોનાં વચનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org