________________
૧૫૨
જિનમાર્ગનું અનુશીલન જુદા મુનિસમુદાયો વચ્ચે ખટરાગ થતો અટકે એ દૃષ્ટિએ આ નિયમ ઉપયોગી લાગે છે. પણ આની પૂર્તિરૂપે, કોઈ નાના સાધુને કોઈની સામે કંઈ ફરિયાદ હોય તો તેના વાજબીપણાની તપાસની જોગવાઈ પણ થવી જોઈએ; નહીં તો પરિણામ એકપક્ષી નિયમ જેવું આવે.
“[૯] માઈકમાં બોલવું નહીં.” આ નિયમ અંગે આજે બહુ વિચારવા જેવું છે. સંયમસાધનાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિયમોની વાત બાજુએ રાખીએ તો માઈકમાં બોલવાનો જીવનની શુદ્ધિ કે અશુદ્ધિ સાથે એટલે કે ચારિત્રની ઉત્કૃષ્ટતા સાથે કોઈ સંબંધ રહ્યો નથી. જેઓ એનો ઉપયોગ કરવા ઇચ્છતા ન હોય, તેઓ ભલે એનો ઉપયોગ ન કરે. પણ જેઓ ધર્મના પ્રચાર માટે પણ માઈકનો ઉપયોગ કરવાનો નિષેધ કરતા હોય, તેઓ જ જ્યારે ધર્મપ્રચારના જ હેતુથી, જેમાં ત્રસજીવોની પણ વિરાધના થાય છે એવાં સ્વતંત્ર છાપાંઓ કઢાવતા હોય ત્યારે એમનો માઈકના ઉપયોગ સામેનો વિરોધ લગભગ પાયા વગરનો બની જાય છે. છાપાંઓ ગૃહસ્થો મારફત છપાય છે, અને માઈકનો ઉપયોગ સાધુ પોતે કરે છે એ ભેદ હિંસા-અહિંસાની દષ્ટિએ ટકી શકે એવો નથી; અને માઈક કરતાં છાપાંમાં હિંસા વધારે થાય છે એ તો દેખીતું છે.
[૧૦] ફોટા પડાવવા નહીં.” આ નિયમનું પાલન થઈ શકે તો બહુ સારું.
[૧૧] પોતાનું કે પોતાના વડીલના નામનું જ્ઞાનમંદિર પોતે ઊભું કરવું નહિ, તેમ જ શ્રાવકો દ્વારા પણ ઊભા કરાતા જ્ઞાનમંદિર-આદિમાં પોતાનું વર્ચસ્વ રાખવું
નહીં.
ઉપરની કલમો અંગે જેમને કાંઈ પૂછવું હોય તેમણે ગચ્છાધિપતિને પૂછી લેવું.”
આ અગિયારમો નિયમ શ્રમણ-સમુદાયમાં વધતી પરિગ્રહશીલતાને નાથવાની દૃષ્ટિએ ઘડવામાં આવ્યો છે, અને એમાં જે કંઈ જણાવ્યું છે તેનું પાલન અપરિગ્રહમહાવ્રતના પાલનમાં ઉપયોગી થઈ શકે એવું છે. આમ છતાં આ નિયમ વધારે વિશદ અને વધારે વ્યાપક દષ્ટિએ ઘડવાની જરૂર હતી. પરિગ્રહશીલતા તરફ પ્રેરે એવી બીજી પણ કેટલીક બાબતોનો એમાં નિર્દેશ કરીને એનો નિષેધ કરવામાં આવ્યો હોત તો આ નિયમ વધારે અસરકારક બની શકત.
એકંદરે એમાં શ્રમણસમુદાયમાં કેટલેક સ્થળે જોવામાં આવતાં કેટલાંક અનિષ્ટોને કેટલેક અંશે આગળ વધતાં રોકી શકાય અને દૂર કરી શકાય એવી બાબતોનો સમાવેશ થાય છે, તેથી એ આવકારને પાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org