________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૬
૧૫૭ બનતા લોકસંપર્કને કારણે અંતરમાં મોહ-માયા, દષ્ટિરાગ જેવા દોષો પ્રવેશી જવાથી જીવનમાં જે શિથિલતા પ્રવેશી જવાનો ભય ઊભો થાય છે, એનાથી પણ બચી શકાય. છેલ્લાં થોડાંક વર્ષોથી સ્થાનકવાસી સંપ્રદાયમાં શરૂ થયેલ “એક ચાતુર્માસ (એક ગામમાં એક જ સમુદાયના મુનિ ચાતુર્માસ કરે તેની હિલચાલનું અનુકરણ કરવાને, કદાચ, આપણે અત્યારે તૈયાર નહીં હોઈએ. પણ સમાજના ઐક્ય અને એકદિલીની દષ્ટિએ એ હિલચાલ આદરથી જોવા જેવી છે. એનાથી આપણે ત્યાં ઘર કરી ગયેલા કે નવાનવા ઊભા થતા કેટલાક ઝઘડાઓ આપોઆપ શમી જાય.
શહેરોમાં સહજ રીતે સુલભ બનતાં સુખ-સગવડનાં સાધનો અને ગામડાંઓમાં ભોગવવી પડતી અનેક પ્રકારની અગવડોના લીધે, જેમ સામાન્ય જનસમૂહનું શહેરો તરફનું આકર્ષણ વધતું જાય છે, એ જ રીતે સાધુ-સાધ્વીઓનું સામાન્ય વલણ પણ મોટે ભાગે શહેરતરફી જ બનતું જોવા મળે છે. આમાં અપવાદનું પ્રમાણ એટલું ઓછું છે કે ગામડાંઓની સંખ્યા જોતાં અને શહેરોને મળતા લાભની સાથે એની સરખામણી કરતાં, એ લાભ ઘણો જ ઓછો જણાય છે.
વળી, સંસારીઓ તથા ત્યાગીઓના શહેરતરફી વલણ વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે. સંસારીઓ શહેર તરફ આકર્ષાય છે તેમાં શહેરોમાં મળતી સગવડો તરફનું આકર્ષણ કે ગામડામાં બધી ઋતુઓમાં વેઠવી પડતી અગવડો તરફનો અણગમો જેટલો ભાગ ભજવે છે, એના કરતાં આજીવિકા અને ધંધા-રોજગારનો વિચાર વધારે ભાગ ભજવે છે; જ્યારે ત્યાગીઓને આવો કોઈ વિચાર પરેશાન કરતો નથી. ઊલટું, જે સંયમની નિર્મળ આરાધના માટે ત્યાગમાર્ગનો સ્વીકાર કરવામાં આવે છે, એની આરાધના ગામડામાં વધારે સ્વસ્થતાપૂર્વક અને વધારે સારી રીતે થઈ શકે એમ છે. છતાં શહેરોની મોહિનીએ ભલભલા ત્યાગીઓના ત્યાગને ખોખરો બનાવી દીધાના દાખલાઓ આજે શોધવા જવા પડે એમ નથી.
આનો અર્થ કોઈ એવો ન કરે કે ત્યાગીઓએ શહેરોનો સર્વથા ત્યાગ કરી દેવો; પણ સાથેસાથે એટલું પણ ખરું કે શહેરો સાથેના સંપર્કમાં પૂરેપૂરો વિવેક અને પૂરેપૂરી આત્મજાગૃતિ રહે તો જ સંયમમાર્ગને એનાથી હાનિ થતી અટકે.
એક સ્થાનથી બીજા સ્થાને વિહાર કરીને પહોંચતાં વચમાં આવતાં ગામડાંઓને સાધુ-સાધ્વી-સમુદાયનો અમુક લાભ સહજ રીતે મળી જાય છે એ સાચું છે. પણ ગામડાંઓને મળી જતો આ આનુષંગિક લાભ પૂરતો ન ગણાય; એમને પણ શહેરો કે મોટાં ગામોની જેમ શ્રમણોના ચાતુર્માસનો લાભ મળતો રહેવો જોઈએ.
ગામડાંઓ ભલે શહેરો જેવા ખર્ચાળ અને આડંબરી ઉત્સવ-મહોત્સવમાં પાછળ હોય, પણ અંતરની ભાવ-ભક્તિમાં અને ધર્મપ્રીતિમાં તેઓ જરા ય ઊતરતાં નથી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org