________________
૧૫૪
જિનમાર્ગનું અનુશીલન
આ ત્રણે ઠરાવ આપણા માટે પણ માર્ગદર્શક થઈ પડે એવા છે. ગમે તેમ કરીને અને યોગ્યતા કે અયોગ્યતાના વિચારને તરછોડીને દીક્ષા આપવામાં માનનારાઓએ તેમ જ પુસ્તકો, જ્ઞાનમંદિરો કે બીજા બહાને પૈસા મેળવવાનો પ્રયત્ન કરનારાઓએ આ દિશામાં વિચાર કરવાની ઘણી જરૂર છે. આ ઠરાવમાં જેવી સ્થિતિ પ્રત્યે આંગળી ચીંધવામાં આવી છે એવી સ્થિતિ આપણે ત્યાં પણ પ્રવર્તે છે. તેથી આપણા ત્યાગીવર્ગે પણ આત્મનિરીક્ષણનો આવો પ્રયાસ કરવાની જરૂર છે.
(તા. ૧૪-૫-૧૯૫૫)
(૨૬) ચોમાસામાં મુનિરાજોની નિશ્રાની સુલભતા
વર્ષીતપના પારણા વખતે પાલીતાણામાં જે સ્થિતિ ધર્મશાળાઓમાં સ્થાન મેળવવા સામાન્ય યાત્રાળુઓની થાય છે, એવી જ સ્થિતિ, જેમજેમ ચોમાસું નજીક આવતું જાય છે તેમતેમ, પોતાના શહેર કે ગામમાં મુનિરાજોનું ચોમાસું કરાવવાની વિનંતિ કરનાર સામાન્ય શ્રાવકસંઘની થાય છે. મોટાં શહેરો અને મોટા ગણાતા શ્રાવકોને તો આવી મુશ્કેલીનો સામનો કરવાનો વખત ભાગ્યે જ આવે છે, પણ સામાન્ય ગામ-શહેર અને સામાન્ય શ્રાવકોની સ્થિતિ વિચાર કરવા જેવી છે. ચોમાસાની વિનંતિ કરનારાઓની સંખ્યા મોટી અને એનો સ્વીકાર કરનારાઓની સંખ્યા પ્રમાણમાં નાની - એવી સ્થિતિમાં કયારેક-ક્યારેક વિનંતિ કરનારાઓની લાચારીનો લાભ લેવાની મુનિરાજોની અપ્રશસ્ય મનોવૃત્તિનો પરિચય થાય છે. કાં તો સંઘવ્યવસ્થામાં ઊણપ આવી ગઈ હોય, કાં તો ધર્મભાવનામાં ઓટ આવી ગઈ હોય તો જ આવું બને.
ધ્યાન આપવા જેવી સૌથી પહેલી વાત છે વધુમાં વધુ સ્થાનોને સાધુ-મુનિરાજોના ચાતુર્માસનો લાભ મળે એવી વ્યવસ્થા નવેસરથી ઊભી કરવાની. આ બાબત એક રીતે મનોવૃત્તિ સાથે પણ સંકળાયેલી છે. સંઘવ્યવસ્થામાં ગુરઆજ્ઞાનું સ્થાન ઊતરતી કોટીનું થતું જાય છે એને લીધે મનોવૃત્તિ ચાતુર્માસ-નિર્ણયની બાબતમાં પણ ઠીકઠીક સ્વચ્છંદી બનતી જોવામાં આવે છે. આ તેમ જ બીજી બધી બાબતોમાં ગુરઆજ્ઞા જ સર્વોપરિ લેખાય અને એની પાસે શિષ્ય પોતાની જાતને અણુ કરતાં પણ અલ્પ લેખવાની ભક્તિ ધરાવે, તો આજના કેટલાય કોયડાઓ ઊગતાં પહેલાં જ નામશેષ થઈ જાય. ગુરૂઆશા મુજબ ચોમાસાનો નિર્ણય કરવામાં આવે એ, ખરી રીતે, ધર્મની આજ્ઞાનું પાલન અને બહુમાન કરવા બરોબર છે. પણ આજે પરિસ્થિતિ બહુ જુદી છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org