________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૪
સ્થા. જૈન કૉન્ફરન્સ છેલ્લાં કેટલાંક વર્ષથી, અને ખાસ કરીને એ સંસ્થાનું સુકાન જ્યારથી શ્રીયુત કુંદનમલજી ફિરોદિયાના હાથમાં આવ્યું ત્યારથી, એક શ્રમણસંઘ અને એક સમાચારી માટે પ્રયત્ન કરતી હતી. કૉન્ફરન્સનો આ પ્રયત્ન સાદડી મુકામે સફળ થયો અને આખા સ્થાનકવાસી સમાજનું એક મજબૂત અને સુગઠિત એકમરૂપે એકીકરણ થયું. એમ કરવામાં સ્થા. જૈન સંઘના શ્રમણસમુદાયે પોતાના સંકુચિત સ્વાર્થને સર્વથા વેગળો કરીને પોતાનો સંપૂર્ણ સક્રિય સાથ આપ્યો એ બીના જૈનસંઘના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહેશે. આ માટે સ્થાનકવાસી સંઘને – તેના શ્રમણસમુદાયને અને શ્રાવક-સમુદાયને – જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
સમયની હાકલ મુનિવરોને હૈયે ઉતારવાનું કામ સૌથી વધારે કપરું છે. સ્થાનકવાસી જૈન સંઘના શ્રમણો તથા શ્રાવકો વચ્ચે જાગેલી એકદિલીની ભાવનાથી એ કપરું કાર્ય આજે સફળ થયું છે. સ્થાનકવાસી શ્રમણસંઘનો, એક આચાર્ય અને એક સામાચારીનો સ્વીકાર કરવાનો નિર્ણય, એનાં દૂરગામી સુપરિણામોનો વિચાર કરવાનું બાજુએ રાખીએ તો પણ, એક ભારે ઐતિહાસિક, અપૂર્વ, ક્રાંતિકારી નિર્ણય છે. આ નિર્ણયને અમે અપૂર્વ એ રીતે કહીએ છીએ કે કેવળ જૈન જ નહીં, પણ બીજા કોઈ પણ ધર્મ-પંથના સાધુઓએ પોતાની જાતનું (પોતાનાં અધિકાર, પદવી કે મહત્તાનું) સમર્પણ કરી દઈને પોતાને ઇષ્ટ ધર્મને બળવાન બનાવવાનું આવું પગલું ભર્યાના દાખલાઓ ઇતિહાસના પાને જવલ્લે જ નોંધાયેલા છે.
સ્થા. જૈન શ્રમણસંઘની આવી સમયજ્ઞતા જોયા પછી મનમાં સહેજે પ્રશ્ન થાય છે કે આપણો શ્રમણસંઘ કયારે જાગશે ?
સમયનો પ્રવાહ ભારે ઝડપથી પલટાઈ રહ્યો છે; એ પ્રવાહના પલટાની સાથે આપણી સમાજ-રચનામાં, આપણી રહેણી-કહેણીમાં કે આપણાં રીત-રિવાજોમાં સમયાનુકૂળ પરિવર્તનો નહીં કરીએ, તો શિયાળે ઉનાળાનાં મલમલી કપડાં પહેરનાર માનવીના જેવા બૂરા હાલ આપણા થયા વગ૨ નથી રહેવાનાં. આપણા જૈનસંઘને શ્રમણપ્રધાન જૈનસંઘ કહેવામાં આવે છે, તે કારણે આપણા સાધુ-સમુદાયનો એવો દાવો છે કે જૈનસંઘના મુખ્ય નાયક મુનિવરો જ ગણાય. એમનો આ દાવો માન્ય રાખીએ તો પણ મનમાં સવાલ ઊભો થયા કરે છે, કે આપણો શ્રમણસંઘ ક્યારે જાગશે ?
૧૨૩
નજીવા કાર્યભેદ કે વિચારભેદને ‘રાઈનો પર્વત’ બનાવવા જેવું મોટું રૂપ આપીને તેમાંથી અનેક રીતે હૃદયભેદોને જન્માવ્યાની બીનાની સાખ આપણા અનેક ફિરકા, ગચ્છો કે ઉપગચ્છો આપી રહ્યા છે. આપણે જો કાળદેવતાના પ્રવાહની સામે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો આ ક્રમ અટકાવવો જ જોઈએ, અને હાર્દિક એકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org