________________
૧૩૬
જિનમાર્ગનું અનુશીલના (૧૯) એક ઋજુ સાધકની રૂડી અંતર્થથા આપણા સંઘના જાણીતા શાસ્ત્રાભ્યાસી ચિંતક, લેખક અને પ્રવચનકાર મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણીએ ગત ચાતુર્માસ પૂરું થયા બાદ પોતાના શિષ્ય-પ્રશિષ્યો અને સાથી મુનિવરો સાથે, આપણા એક પહાડી તીર્થ ઈડરગઢની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન અને એ યાત્રા કર્યા પછી પણ એમના મનમાં કેવાકેવા ભાવો જાગ્યા હતા, એનું હૃદયસ્પર્શી વર્ણન, તેઓશ્રીનાં લખાણો અને પ્રવચનોને પ્રગટ કરતા અને જોધપુરથી હિંદી ભાષામાં પ્રસિદ્ધ થતા “અરિહંત' માસિકના ગત ડિસેમ્બર માસના અંકમાં, એક મુમુક્ષુને લખેલા પત્રરૂપે તેઓએ કર્યું છે. આ વર્ણન સૌને પ્રેરણા આપે એવું હોવાથી એનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ.
પરમાત્માની સ્તુતિ-ભક્તિ કરીને અમે લોકો ઈડરના આ પહાડના બીજા શિખર તરફ રવાના થયા. એ શિખરનું નામ છે રણમલચોકી. અમારી સાથે મારા એક પૂર્વપરિચિત મુનિરાજ, જેઓ એ પહાડ ઉપરના ઉપાશ્રયમાં રહેતા હતા, તેઓ અમારી સાથે આવ્યા. તેઓ ખૂબ સરળ અને નિરભિમાની સાધુપુરુષ છે. તેઓએ કહ્યું: “અહીં મારગમાં એક ગુફા છે; એમાં એક વ્યાંશી વર્ષનાં ડોશીમા ચાલીસ વર્ષથી એકલાં રહે છે. જો આપણે ત્યાં જઈશું તો એ ખૂબ રાજી થશે.”
“અમને લોકોને ઘણું આશ્ચર્ય થયું: એકલી મહિલા ચાલીશ વર્ષથી ગુફામાં રહે છે! અમે લોકો એ ગુફામાં ગયા. ડોશીમાએ મધુર શબ્દોથી અમારું સ્વાગત કર્યું, પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. એને સાધુ-સંતો તરફ અપાર શ્રદ્ધા છે એ જોવા મળ્યું. આથી ય વિશેષ, મેં એ ડોશીમામાં અપૂર્વ આત્મબળ, પ્રસન્નતા અને સદા ખુશનુમા મિજાજ જોયાં.” આ પછી પોતાના સંવેદનને વ્યક્ત કરતાં તેઓશ્રી કેવું સાચું કહે છે –
પ્રાચીન સમયમાં અનેક સત્ત્વશીલ મુનિવરો ચાર-ચાર મહિના સુધી આવા પહાડોમાં, ગુફાઓમાં ધ્યાનમગ્ન રહેતા હતા. કેટલાક મુનિવરો તો ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. કેટલાક મુનિવરો મહિના-મહિનાના ઉપવાસ કરીને રહેતા હતા. કેવું ઉચ્ચતમ હશે એમનું સાધકજીવન! કેવી ઉત્તમ હશે એમની ધ્યાનમગ્નતા ! કેવી શ્રેષ્ઠ હશે એમની યોગસાધના! કેવા અપૂર્વ આત્માનંદનો અનુભવ કર્યો હશે એ તપસ્વી મુનિવરોએ ! કોઈ લોકસંપર્ક નહીં, કોઈ સામાજિક જીવન નહીં, કોઈ પરિગ્રહ નહીં, કોઈ ભૌતિક પદાર્થો તરફની આસક્તિ નહીં.
મનમાં ઘોર અફસોસ થઈ રહ્યો હતો – મારા પોતાના જીવનને જોઈને ! સાધુજીવનમાં એ મસ્તી જ ક્યાં છે? જ્ઞાનસાધના અને ધ્યાનસાધનાની એ પ્રાચીન પરંપરા જ આપણે ત્યાં લગભગ નષ્ટ થઈ ગઈ છે. આજે તો અમારાં જીવન, ઝાઝે ભાગે, સામાજિક બની ગયાં છે – સાધુ સામાજિક પ્રાણી બની ગયેલ છે. સમાજ સાથેના સતત સંપર્કને લીધે અમારા જીવનમાં અનેક સામાજિક દૂષણો પ્રવેશી ગયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org