________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૬
૧૨૯ “તેમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શક્તિનો સદુપયોગ થાય તેવી દરેક પ્રવૃત્તિમાં આ સભા પોતાનો સહકાર આપવા તૈયાર છે.”
શ્રીસંઘ-સમિતિને આવકારવાની અને એનાં કાર્યોમાં સહકાર આપવાની સમસ્ત શ્રીસંઘને ભલામણ કરવા જેટલી ઉદારતા, દૂરંદેશી અને સમયજ્ઞતા આ સંસ્થા દાખવે એવી અપેક્ષા તો હતી જ નહીં. એટલે એ “શ્રીસંઘ-સમિતિને અધિકારયુક્ત ગણી શકાય નહીં.” એવો ઉપર મુજબનો નિર્ણય જાહેર કરે, એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. પણ, સાથેસાથે કહેવું જોઈએ, કે કડવાશ, ઉગ્રતા કે આક્ષેપોવાળી ભાષાથી મુક્ત રાખીને, બની શકે એટલી સંયમિત ભાષામાં સભાએ શ્રીસંઘ-સમિતિ અધિકારયુક્ત નહીં હોવાની પોતાની લાગણી વ્યક્ત કરી છે, અને સાથોસાથ શ્રીસંઘની સુસ્થિતતામાં શેઠશ્રી કસ્તૂરભાઈની શક્તિનો સદુપયોગ થાય તેવી દરેક પ્રવૃત્તિમાં પોતાનો સહકાર આપવાની તૈયારી બતાવી છે એ જરૂર આવકારપાત્ર કામ થયું છે. આટલા પ્રમાણમાં આ સભાને, આ નિર્ણયના ઘડનારાઓને અને એ નિર્ણયનો સ્વીકાર કરનારાઓને ધન્યવાદ ઘટે છે.
એકતા અને શુદ્ધિની દૃષ્ટિએ આપણા ધર્મ અને સંઘની સ્થિતિ અત્યારે કેવી ચિંતાજનક છે એ અંગે આ નિર્ણયમાં કશું કહ્યું નથી, આમ છતાં આ બાબત સર્વથા આ સભાના ખ્યાલ બહાર હોય એમ પણ, આ નિર્ણયના બીજા ફકરાના ભાવ જોતાં, તેમ જ શેઠશ્રી કસ્તૂરભાઈની શક્તિના ઉલ્લેખવાળો ત્રીજો ફકરો વાંચતાં, નથી લાગતું.
પણ જે સંસ્થાનો હેતુ જૈન સંસ્કૃતિની રક્ષાનો હોય એ સંસ્થાએ તો. ખરી રીતે. સંઘ અને ધર્મની વર્તમાન પરિસ્થિતિની સ્પષ્ટ રજૂઆત કરવી જોઈતી હતી, અને સાથેસાથે એને વધુ વણસતી અટકાવીને કેવી રીતે સુધારી શકાય એનો પોતાને માન્ય એવો સ્પષ્ટ, વ્યવહારુ અને કારગત ઉપાય દર્શાવવો જોઈતો હતો. આ સભાને અત્યારના ટોકટીના સમયમાં પણ આમ કરવાનું જરૂરી ન લાગ્યું એ દિલગીર થવા જેવું છે.
સંઘરચના કે સમાજ-વ્યવસ્થામાં જુદાં જુદાં કામોની જવાબદારીની અને જવાબદારીઓને પૂરી કરવા માટેના જરૂરી અધિકારોની વહેંચણી કરવામાં આવેલી હોય એ સ્વાભાવિક છે. નાના-મોટા સૌ પોતપોતાના અધિકારોનો ઉપયોગ પોતાની જવાબદારીને પૂરી કરવામાં કરીને સંઘ અને સમાજના યોગક્ષેમની રક્ષા કરે તો જ સંઘમાં અને સમાજમાં સુવ્યવસ્થા સચવાઈ રહે એ સહેજે સમજી શકાય એવી વાત છે. પણ જે પળે જવાબદારી પ્રત્યે ઉદાસીનતા કે ઉપેક્ષાભાવ સેવીને કેવળ અધિકારની જ માળા રટવામાં આવે છે, તે જ પળે અવ્યવસ્થાનો આરંભ થાય છે, અને જો સમયસર એને રોકવામાં ન આવે તો સંઘ કે સમાજ પતનોમુખ થવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org