________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩
૧૦૯ તપ, ત્યાગ સંયમના બળે એ શિથિલતાને ખાળવા માટે પુરુષાર્થ કરવો જોઈએ – ચોરોનો વધારો થાય ત્યારે જ કોટવાળની સેવાની ખરી કિંમત ને ? જો શ્રાવકસંઘની સાથોસાથ સાધુસંઘ પણ શિથિલતાના માર્ગે પ્રયાણ કરે, તો તો વાડ ચીભડા ગળે તેવી સ્થિતિ સરજાય ! પછી ઊગરવાનો કોઈ આરો-ઓવારો જ ન રહે. દુર્ભાગ્યે અત્યારે આપણા મોટા ભાગના સાધુસમુદાયની સ્થિતિ આવી થઈ ગઈ લાગે છે.
સાધુસંઘની શિથિલતાના પુરાણા ઈતિહાસને સંભારીને ભલે આપણે અત્યારના સાધુઓને ચૈત્યવાસી ન કહીએ; પણ સ્થિતિ તો એવો અઘટિત પલટો પામી છે, કે એમાંથી ચૈત્યવાસને ય સારો કહેવડાવે એવી ખરાબ સ્થિતિ ક્યારે ઊભી થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. નકલી સોનાને વધારે ચળકટની જરૂર પડે, એમ સાચી ધાર્મિકતાને એક કોરે મૂકવાથી પોતાનામાં પ્રવેશી ગયેલી શિથિલતાને છાવરવા આપણો સાધુસંઘ વધુ ને વધુ આડંબરો, જંગી ક્રિયાકાંડો તેમ જ અઢળક ધનવ્યયના માર્ગે જ વળી ગયો છે.
જૈનસંઘના અગ્રણીપદે બિરાજતા શ્રમણસંઘ ઉપર શિથિલતાનો આરોપ મૂકવો એ ન સહેલો છે, ન સુખદ; પોતાના જ અંગમાં છેદ કરવા જેવું મુશ્કેલ અને વેદનાભર્યું એ કામ છે. પણ સંઘસ્વાધ્ય ખાતર પર્યાલોચન ટાળી શકાય એમ નથી.
પાણીનો રેલો જેમ ઢાળ તરફ વહેવા લાગે, એમ માનવીના મનનું સહજ વલણ મોટે ભાગે ભોગાભિમુખ જ હોય છે. એટલે ખાન-પાન કે બોલ-ચાલ યા વ્યવહાર વર્તનમાં સહજ રીતે હિંસા કે અસત્યનું આચરણ કરી બેસે છે. લોભ-લાલચની વૃત્તિ માનવીને ચોરીના કે સંગ્રહશીલતાના માર્ગે ધકેલી દે છે અને જાગૃત થયેલી વાસના , એને કામવિલાસ તરફ દોરી જાય છે. આ બધી સહજ વૃત્તિઓ ઉપર વિજય મેળવીને ચિત્તશુદ્ધિ કેમ પ્રાપ્ત કરવી એ માનવીએ શીખવાનું છે. એટલા માટે જ મહાસંતોએ અને અનુભવી શાસ્ત્રકારોએ અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહરૂપ પાંચ વ્રતોનું ઉદ્દબોધન કર્યું છે. આ વ્રતોની અણીશુદ્ધ સાધના એ જ સાચી ધર્મસાધના કે આત્મસાધના લેખાય છે.
પણ મહાવ્રતોના સ્વીકારની પ્રતિજ્ઞામાત્રથી (દીક્ષા-માત્રથી) આ વ્રતોનું પાલન થઈ જાય એ ન બનવા જેવી વાત છે. એ માટે તો માનવી ખાંડાની ધાર પર ચાલવાની જેમ સતત જાગૃત રહે અને ચિત્તશુદ્ધિની પ્રક્રિયામાં જરા પણ વિક્ષેપ ન આવે એની પૂરી ખબરદારી રાખે તો જ એ મહાવ્રતોનું પાલન કરી શકે; અને આવી ખબરદારી તો જ રાખી શકાય જો સાધક પોતાના ચિત્તને સ્થાન (સ્થિરતા), મૌન અને ધ્યાનસ્વાધ્યાયની એકાગ્ર સાધનાના માર્ગમાં (ાળ મોળ ફાળેસતત રોકી રાખીને પોતાના આત્મભાવને નિરંતર જગાવતો રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org