________________
૧૨૦
જિનમાર્ગનું અનુશીલન તેરાપંથનો વિચાર કરીએ તો ત્યાં એક આચાર્યનું જ શાસન પ્રવર્તતું હોવાથી એ ફિરકાની સંઘ-વ્યવસ્થા સારા પ્રમાણમાં મજબૂત કહી શકાય એવી છે. અલબત્ત, એ ફિરકાના મુનિસમુદાયમાંના કોઈક સાધુ માનવસહજ કષાય અને વાસનાનો ભોગ બનીને સ્વેચ્છાચાર કે શિથિલાચારને માર્ગે વળી જાય એ ન બનવા જોગ નથી. પણ ત્યાં એકછત્રી શાસન હોવાને કારણે એનો ઉપાય તરત કરી શકાતો હશે; એટલે એ ફિરકાના શ્રાવકસંઘને પોતાના સંઘમાંના માર્ગભૂલ્યા સાધુઓને ઠેકાણે લાવીને પોતાના સંઘનું સંગઠન સાચવી રાખવામાં આવી લાચારીનો ભાગ્યે જ અનુભવ કરવો પડતો હશે એમ લાગે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થિતિ
પોતાના ફિરકાના સાધુ-સમુદાયમાં વધતી મનસ્વિતા અને આચારપાલન પ્રત્યેની બેદરકારીને રોકવા અંગેની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થિતિ તો વધુ શોચનીય છે. આપણે ત્યાં આ બાબતમાં શ્રાવકસંઘનું ન કશું ઉપજણ છે, અને ન સાધુસમુદાયના વડાઓ ખોટે માર્ગે જતા પોતાના શિષ્યોને કશી રોકટોક કરી શકે છે. આ વ્યક્તિ મારા પક્ષની છે કે બીજા પક્ષની એ દૃષ્ટિથી જ આવી બાબતો વિચારવામાં આવે છે. પરિણામે, સંઘવ્યવસ્થાને નુકસાન કરે એવી ગંભીર બાબત તરફ પણ આંખમીંચામણાં કરવાની આપણને ટેવ પડી ગઈ છે. આવી સ્થિતિમાં માથાભારે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવાની તો વાત જ શી કરવી ? આમ થવાનું મુખ્ય કારણ સાધુ-સંઘમાં સંગઠનનો અને સંઘશુદ્ધિની રક્ષા માટેની જાગૃતિનો અભાવ જ છે.
આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરિજીએ, જૈનદર્શનનું પદાર્થવિજ્ઞાન' પુસ્તકના પ્રકાશન વખતે, અમદાવાદમાં શ્રમણ સંઘની વર્તમાન શોચનીય સ્થિતિ અંગે કહ્યું હતું –
પ્રાચીનકાળમાં શ્રમણસંઘનું સંગઠન હોવાથી સંકલનાપૂર્વક અને વિચારપૂર્વક દરેક કાર્યો થતાં હતાં. એકબીજાનાં કાર્યોમાં સહાનુભૂતિ હતી. શ્રાવકો દૃષ્ટિરાગી ન બનતાં ગુણાનુરાગી હતા. આજે આ બધી વસ્તુમાં ભારે ઓટ આવી છે. એટલે કોઈ પણ કાર્ય આપણે સંકલનાપૂર્વક નથી કરી શકતા. આજે ધર્મના માર્ગે પ્રતિ વર્ષે લાખો રૂપિયાનો વ્યય થાય છે; છતાં ધાર્યું પરિણામ આવતું નથી. એ જ કાર્ય જો સંગઠિત થઈને સંકલનાપૂર્વક કરવામાં આવે તો થોડા ખર્ચમાં અને થોડી મહેનતમાં પરિણામ સુંદર આવી શકે અને ઘણું કાર્ય થઈ શકે. આજે આપણો શ્રમણસંઘ ઘણો જોરદાર છે, જેમાં વિદ્વાનો છે, વક્તાઓ છે અને બુદ્ધિશાળીઓ છે; આપણે ઘણું કાર્ય કરી શકીએ તેમ છીએ.... છતાં ધાર્યું કાર્ય કરી શકતા નથી એમાં આપણી છિન્નભિન્નતા કારણભૂત છે. જો આવી છિન્નભિન્ન દશા ચાલુ રહેશે તો કેવું ભયંકર પરિણામ આવશે તે કલ્પના બહારની વસ્તુ છે.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org