________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૭
૪૩
નહિ પણ અનેક જેનો નીકળી આવશે; જ્યારે, આપને જાણીને આશ્ચર્ય થશે, કે નાગા લોકો સામે આવું પ્રલોભન ધરવામાં આવે તો એ સમાજમાંથી આવું કૃત્ય કરવા માટે એક પણ વ્યક્તિ આગળ નહિ આવે. પશુ-પ્રાણી કે માનવીની હિંસા તેને સ્વભાવગત છે. પણ આવું અસત્યાચરણ, જેનું પરિણામ પણ એક પ્રકારની હિંસામાં જ આવે છે તે તેના સ્વભાવમાં જ નથી. આવું ખોટું કરવાની તેને કોઈ સમજણ કે સૂઝ નથી.
જ્યાં બુદ્ધિશાળી લેખાતા માણસને એક ને એક બે જેવી વાત લાગે છે, ત્યાં આ નાગા લોકો બાઘા જેવા ભાસે છે. આમાં જંગલી કોણ અને સુધરેલું કોણ, હિંસક કોણ અને અહિંસક કોણ – એ નક્કી કરવાનું હું આપને સોંપું છું. આમ તેમની વ્યાપક અને ઉદાર વિચારણાથી અમે સૌ ખૂબ પ્રભાવિત થયા.”
મુનિશ્રી સુશીલકુમારજીએ સત્યના આચરણ પ્રત્યેની આપણી શિથિલતાને અનુલક્ષીને ઉપર જે કંઈ કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે વાંચવું આપણને ન ગમે એ સ્વાભાવિક છે. પણ મુનિશ્રી પોતાની દૃષ્ટિ અને બુદ્ધિને ઉઘાડી રાખીને સમાજના રંગઢંગનું અવલોકન કરતા રહે છે, અને વિના કારણે કે ખોટી રીતે પોતાના સંઘ કે સમાજનું ઘસાતું બોલવું પડે કે એની નિંદા કરવી પડે, એ એમને જરા પણ નથી જ રુચતું. વળી તેઓ એક તટસ્થ વિચારક છે. આવી સ્થિતિમાં એમના આવા અણગમતા અવલોકનથી આપણને દુઃખ કે ક્રોધ ઊપજે તો એને શમાવી દઈને આપણે ગુણગ્રાહક અને સત્યસંશોધક દૃષ્ટિએ એ ઉપર વિચાર કરવો જોઈએ. અને સત્યના સ્વીકાર તેમ જ પાલનમાં સમાજમાં જે કંઈ ખામી પ્રવેશી ગઈ હોય તેનું નિવારણ કરવા પ્રયત્ન હાથ ધરવો જોઈએ.
અમને લાગે છે કે સત્ય તરફની આપણી આવી ઉપેક્ષાવૃત્તિ એ સત્યના મહત્ત્વની સમજણનો અભાવ તો સૂચવે જ છે; સાથે-સાથે એ અહિંસાની પૂર્ણ સમજણનો પણ અભાવ સૂચવે છે. જૈનધર્મે અહિંસા અને અનેકાન્તવાદ એ બંનેનો સ્વીકાર કરવાનું કહ્યું છે તેનું રહસ્ય એ જ છે કે માનવીએ પોતાના જીવનમાં અહિંસા અને સત્ય એ બંનેની સમાન રીતે ઉપાસના કરવી ઘટે. સત્યના એકેએક અંશને ઓળખવો અને એનો સ્વીકાર કરવો – એ જ તો અનેકાન્તવાદનો હેતુ છે.
આપણે જેનો જન્મથી જ અહિંસાધર્મને વરેલા છીએ એ સાચું છે. પણ આપણી અહિંસા કેટલા પ્રમાણમાં વિકાસશીલ રહેવા પામી છે એ પણ વિચારવા જેવું છે. અહિંસાના વિકાસને તો કોઈ અવધિ જ નથી. વ્યવહારુ જીવનમાં અહિંસાનો વિકાસ એ રીતે પારખી શકાય કે જન્મથી, કુળ-પરંપરાથી યા ધર્મસંસ્કારથી જેટલી અહિંસા આપણને વારસામાં મળી હોય, એમાં વધારો કરી બતાવીએ, અને જે નવા-નવા સવાલો પેદા થાય એને અભિનવ અહિંસક દૃષ્ટિએ હલ કરીએ. પણ આજે તો અહિંસાનો આવો વિકાસ આપણામાં ભાગ્યે જ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org