________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ઃ ૬
અધ્યક્ષસ્થાનેથી આપેલ પ્રવચનમાં આપણાં સાધુ-સાધ્વીઓ માટે વિશિષ્ટ પ્રકારના વિદ્યાલયની જરૂરનું જે સૂચન કર્યું છે, તે ખૂબ સમયસરનું તેમ જ આવકારપાત્ર લાગે છે. આ અંગે પંડિતજીએ જણાવ્યું હતું –
“યુગબળ અને લોકોની જિજ્ઞાસાનું ઉત્કટ બળ એટલું બધું દબાણ કરી રહ્યું છે કે હવે આ દિશામાં સમજદાર જૈન ગૃહસ્થને કે શાસનભક્ત મુનિગણને વિચાર્યા વિના અને કંઈક એને અનુરૂપ પગલું ભર્યા વિના ચાલે તેમ જ નથી. આ રીતે વિચાર કરતાં આપણે એવે તબક્કે પહોંચીએ છીએ કે જેમાં કાંઈક રચનાત્મક એવું કામ ક૨વું જોઈએ, કે જેને લીધે પ્રથમ સૂચવેલ વિશેષતાઓ સચવાય, નબળાઈઓ દૂર થાય અને નવોદિત વિદ્યાપ્રવાહોને ઝીલી આત્મસાત્ કરી શકાય. આ માટે મને અત્યારે એક જ વિચાર મુખ્યપણે રજૂ કરવાનું મન થાય છે; અને તે વિચાર તે વ્યવસ્થિત, સર્વગ્રાહી અને નવીન વિદ્યાપ્રવાહોનો પૂરો લાભ લઈ શકાય તેવી સાધુ-સાધ્વીઓની અભ્યાસની યોજના કરવાનો અને તે માટે એક વિશિષ્ટ કહી શકાય એવા વિદ્યાલયની જવાબદારી લેવાનો.”
૧૯
પંડિતજીએ પોતાના આ માર્ગસૂચક પ્રવચનમાં આવું વિદ્યાલય કેવું હોય એની રૂપરેખા પણ આપી છે (આ આખું પ્રવચન અમારા પત્રના આ અંક પહેલાંના બે અંકોમાં છપાયું છે); પણ એ બધી વિગતોમાં ઊતરવાની અત્યારે જરૂર નથી. અત્યારે તો જૈનસંઘે મુખ્યત્વે એ જ વાતનો નિર્ણય કરવાનો છે કે આવી કેન્દ્રસ્થ જ્ઞાનસંસ્થાની જરૂર છે કે નહીં. એક વાર જો આવી જરૂ૨ સ્વીકારાય અને સાથેસાથે જ એ માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરવામાં આવે, તો બાકીની વિગતો તો, યોગ્ય વ્યક્તિઓ સાથે પરામર્શ કરીને, પછીથી નક્કી કરી શકાય. અમારી સમજ મુજબ તો આ કાર્ય અવશ્ય વહેલામાં વહેલી તકે કરવા જેવું છે.
આ યુગના મહાપ્રભાવક પુરુષ આચાર્ય મહારાજશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી કદંબગિર તીર્થમાં આવી વિદ્યાસંસ્થા સ્થાપવાના મનોરથો સેવતા હતા; પણ જૈનસંઘનું ભાગ્ય એટલું મોળું કે એ સિદ્ધ થાય તે પહેલાં જ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો ! આ લખતી વખતે અમે એ વાત બરાબર જાણીએ છીએ કે આ વિચારને અમલી બનાવવાનું કામ કેટલું મુશ્કેલ છે. પણ જે કાર્ય સંઘના અભ્યુદય માટે અનિવાર્ય જ હોય અને યુગબળ પણ એની જ માગણી કરતું હોય, તો એ વિચારની ઉપેક્ષા આપણે આપણા અભ્યુદયના ભોગે જ કરી શકીએ. તો આ વિચારને શ્રીસંઘ વહેલામાં વહેલી તકે અમલી રૂપ આપવાનો પ્રયત્ન આદરે એ જ અભ્યર્થના.
Jain Education International
For Private & Personal Use Only
(તા. ૧-૧૨-૧૯૬૨)
www.jainelibrary.org