________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ઃ ૫
થોડા વખત પહેલાં (૧૧-૧૨ સપ્ટેમ્બરે) કુચેરા (મારવાડ) મુકામે સ્થાનકવાસી કૉન્ફરન્સની સામાન્ય સભા મળી હતી. તેમાં મુનિરાજોના સ્થિર અભ્યાસની જરૂર ત૨ફ ધ્યાન દોરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે નવમો ઠરાવ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે પણ સમજવા-વિચારવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “વર્તમાન પરિસ્થિતિ તરફ નજર નાખતાં એ આવશ્યક દેખાય છે કે આપણા સમાજમાં પણ વિદ્વાન સાધુ-સંઘ તથા મહાસતીજીઓ તૈયાર થાય. તેટલા માટે આ સામાન્ય સભા શ્રમણસંઘના મુનિમહારાજશ્રીઓને વિનંતિ કરે છે કે પોતપોતાના વિદ્યાર્થી-મુનિરાજોને સિદ્ધાંતશાળામાં મોકલે અને આ યોજનાનો પૂરેપૂરો લાભ લે. કામચલાઉ સિદ્ધાંતશાળા ખોલવાને બદલે કાયમને માટે સિદ્ધાંતશાળા ખોલવાની વ્યવસ્થા કરે.”
અમને આ બહુ સમયસરનો અને અગત્યનો ઠરાવ લાગે છે. એક સ્થાને સ્થિરતાથી અમુક સમય લગી રહીને વિદ્યા-ઉપાસના કરવામાં ન આવે તો ઊંડું જ્ઞાન ન મળે એ સહેજે સમજી શકાય એમ છે. સ્થાનકવાસી સમાજ આટલું કરી શકે છે તેનું કારણ એ પણ લાગે છે કે તેમની કૉન્ફરન્સ અને સાધુસમુદાય વચ્ચે પણ ઠીકઠીક મેળ છે. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં સ્થિતિ આથી સાવ જુદી છે. દોષ કોનો છે એ ચર્ચામાં ન ઊતરતાં એટલું તો જરૂર કહી શકીએ કે આપણી કૉન્ફરન્સ અને આપણા શ્રમણ-સમુદાય વચ્ચે સુમેળ થવો હજુ બાકી છે.
આજે જ્યારે દેશમાં અને દુનિયામાં વિવિધ વિદ્યાશાખાઓનું ખૂબ ખેડાણ થવા લાગ્યું છે, ત્યારે આપણે જો વિદ્યાર્થી કે વિદ્વાનો બાબતે દરદ્ર હોઈશું તો ગમે તેટલી લક્ષ્મી અને ગમે તેટલા ક્રિયાકાંડો પણ આપણા તેજને ટકાવી શકવાનાં નથી. એટલે જો જૈનધર્મનું સાચું હિત આપણા હૈયે વસતું હોય, તો સંઘના નાયક ગણાતા આપણા સાધુ-મુનિરાજો વિદ્યા-વિશેષજ્ઞો બને એવી જોગવાઈ આપણે કરવી જ જોઈએ; અને આ જોગવાઈ એટલે અમુકઅમુક સ્થળોએ એવાં વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાં કે જ્યાં મુનિરાજો સ્થિરતાથી રહીને એકાગ્રપણે વિદ્યા હાંસલ કરી શકે.
આ વાત લખતાં સહેજે પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીનું નામ હૈયે ચઢી જાય છે. તેઓ કંઈક એવી ભાવના સેવતા હતા કે કદંબિગિર જેવા એકાંત-શાંત તીર્થસ્થાનમાં એવી એકાદ વિદ્યાસંસ્થા ઊભી કરવામાં આવે, જ્યાં રહીને મુનિરાજો વિદ્યા-અધ્યયન કરી શકે. તેઓની આ ભાવના મૂર્ત રૂપ લે તે પહેલાં તેઓ ચાલ્યા ગયા ! પણ આ વિચાર જરૂર અમલમાં મૂકવા જેવો અમને લાગ્યો છે.
છેવટે, આ પ્રશ્ન એકાદ વાર લખવામાત્રથી કે કહેવામાત્રથી ન પતે એ સહેજે સમજી શકાય એમ છે. તેથી અમે આપણા વિચારકો – મુનિરાજો તેમ જ વિદ્વાનો આ સંબંધી મુક્તપણે પોતાના વિચારો રજૂ કરે એમ ઇચ્છીએ છીએ.
(તા. ૬-૧૧-૧૯૫૪)
Jain Education International
૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org