________________
૪૪
જિનમાર્ગનું અનુશીલન આમ છતાં જો આપણી અહિંસા બંધિયાર થઈ જવાને બદલે પ્રવાહિત અને વિકાસશીલ રહી હોત તો સત્ય તરફની આપણી દૃષ્ટિ પણ વિકાસશીલ તેમ જ વર્તનપરાયણ રહેત; અને તો સત્યની ઉપેક્ષાને બદલે સત્યના રક્ષણથી જ આપણને સંતોષ થાત. આમ જો સત્ય તરફની આપણી દષ્ટિ જાગરૂક હોત તો અત્યાર લગીમાં સાવ નજીવા અને નમાલાં કારણોને લઈને જનસંઘમાં જાગી ઊઠેલ અનેક ગચ્છભેદો, મતભેદો કે ક્લેશો જન્મવા જ ન પામત. પણ સત્ય તરફની આપણી દૃષ્ટિ અનેક કારણોસર અવરાઈ ગઈ અને અહિંસાની આપણી સમજણ કુંઠિત થઈ ગઈ; એટલે પછી આપણા નસીબમાં ક્લેશ-કંકાસનું કડવું પાન જ લખાઈ ગયું!
એટલે વ્યક્તિના પોતાના અભ્યદય માટે કે સમાજના વિકાસ માટે અહિંસા અને સત્ય એ બંનેના વિકાસની સમતુલા બરાબર જળવાય એ જરૂરી છે.
(તા. ૧૬-૧૨-૧૯૬૧)
(૧૮) મનની કેળવણીની ઉપેક્ષા
આત્મસાધક મહાપુરુષોએ પોતાના અનુભવનો લાભ જનસમુદાયને હંમેશને માટે મળતો રહે એટલા માટે બહુ જ સંક્ષેપમાં મહત્ત્વની વાત સમજાવતાં કહ્યું: મનનાં નિર્મળ કે મલિન વલણો જ મોક્ષ કે બંધનું નિમિત્ત બની જાય છે.” મતલબ કે મોક્ષ અને બંધ માટે બાહ્ય પ્રવૃત્તિઓ કરતાં પણ આંતરિક વૃત્તિઓ વધારે જવાબદાર છે. માટે સાધકે મનને સ્વસ્થ અને શુદ્ધ કરવા સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. મહર્ષિ પતંજલિએ ચિત્તવૃત્તિના (ચિત્તની ચંચળતાના) નિરોધને યોગ કહેલ છે, એનો ભાવ પણ આ જ છે; મનને સરખું રાખો અને તમારું સમગ્ર જીવન સરખું ગોઠવાઈ જશે.
મનપતંગના પળ-પળે પલ્ટાતા રંગોના કેવા-કેવા અંજામ આવે છે, એ માટે જૈન શાસ્ત્રોમાંનું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું આ દૃષ્ટાંત બહુ જાણીતું છે :
મહાવીરસ્વામીનો ઇતિહાસયુગનો સમય. પ્રસન્નચંદ્ર એક રાજ્યના સ્વામી. તેમને વૃદ્ધ ઉંમરે વૈરાગ્ય જાગ્યો; પોતાના બાળક પુત્રને રાજપાટ ભળાવી એ સાધુ બની ગયા. ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં મન પરોવનાર અને તપસ્યા દ્વારા શરીર અને ઇન્દ્રિયોનું દમન કરનાર તેઓ “રાજર્ષિ કહેવાયા. ખાંડાની ધાર પર ચાલવાની જેમ અપ્રમત્ત ભાવે તેઓ સંયમને આરાધતા રહ્યો. એમનું જીવન સાધકો માટે દાખલારૂપ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org