________________
૮૧
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪
આવા ગ્રંથોના પ્રકાશનની પાછળ જેમ તે-તે ગ્રંથોની સાચવણી અને સુલભતાનો આશય રહેલો છે, તેમ એનો બીજો મહત્ત્વનો આશય અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાનો પણ હોવો જ જોઈએ. અને એને માટે જે પદ્ધતિએ બીજા ધર્મોના ગ્રંથો સંશોધિત-સંપાદિતરૂપે પ્રગટ થતા હોય, તે જાણી-સમજીને આપણે પણ આપણા ગ્રંથોને સર્વાગપૂર્ણરૂપે પ્રગટ કરવા જોઈએ.
જૈન સાહિત્ય તરફ સંપ્રદાય-નિરપેક્ષ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું વિશેષ ધ્યાન જવાનું કારણ એ છે કે એના ઘણાઘણા પ્રદેશો હજુ અણખેડાયેલા હોઈ એમાં ઘણુંઘણું કાર્ય કરવાનો અવકાશ છે. આનું કાર્ય જૈનેતર વિદ્વાનોને હાથે પણ થઈ રહ્યું છે એ ખરેખર હર્ષ ઉપજાવે એવી બીના છે, આમ છતાં આ કાર્યને મોટા પાયા ઉપર હાથ ધરવું અને પૂરું કરવું એ આપણું જ કર્તવ્ય છે.
પૈસાને બળે બીજાઓને રોકીને કરાવી લઈએ એવું આ કાર્ય નથી. હા, આમાં પૈસાની જરૂર તો ડગલે ને પગલે રહેવાની જ છે એમાં શક નથી. છતાં શાસ્ત્રગ્રંથોના સંશોધનનું કાર્ય સારી રીતે કરી શકે એવા ઊંડા અભ્યાસી નિષ્ઠાવાન વિદ્વાનોને મેળવવાનું કામ જ, અમને તો સૌથી વધુ અઘરું કામ લાગે છે.
આ કાર્ય કેટલું મુશ્કેલ છે એનો કંઈક ખ્યાલ મેળવવો હોય તો કહી શકાય કે આત્યંતર તપમાં જે સ્વાધ્યાય અને ધ્યાન એ બે પ્રકારો ગણાવાયા છે, તે બંનેનું, ભલે કંઈક જુદી રીતે પણ, એકીકરણ કરવાથી જ થઈ શકે એવું આ કાર્ય છે. સ્વાધ્યાયને આવ્યંતર તપનું ગૌરવ આપવામાં આવ્યું છે તેનું આ જ રહસ્ય છે. વળી બીજી-બીજી મન ફાવે તેવી અનેક પ્રવૃત્તિઓ કર્યા કરીએ અને સ્વાધ્યાય અને ધ્યાનની પણ સાધના કરી શકીએ એ તો લોટ ફાકવો અને વળી ગાવું – એના જેવી ન બની શકે એવી વાત છે. આટલા જ માટે અમે આ કાર્યને લોઢાના ચણા ચાવવા જેવું બહુ જ કઠણ કાર્ય કહીએ છીએ.
તે પણ આ કાર્ય ગમે તેટલું કઠણ હોય, પણ એ કર્યા વગર હવે ચાલે એમ નથી. યુનેસ્કો મારફત હિંદુસ્તાનનાં તેમ જ બીજા દેશોનાં જુદાજુદા ધર્મોનાં અને જુદી-જુદી ભાષાઓનાં જે પુસ્તકોની અન્યઅન્ય ભાષાઓમાં અનુવાદ માટે પસંદગી કરવામાં આવી છે, તેમાં આપણો એક પણ ગ્રંથ સ્થાન પામ્યો નથી એટલી હકીકત જ હવે તો આપણી ઊંઘ ઉડાડવા બસ લેખાવી જોઈએ.
શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાનું કાર્ય મુખ્યત્વે મુનિવરોનું જ ગણાય એમ આપણે લાંબા વખતથી માનતા હતા. પરંતુ વિક્રમની ગઈ (વીસમી) સદીના ઉત્તરાર્ધમાં સગત પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ પોતાની દીર્ધદષ્ટિના બળે સમયની માંગને પારખી લીધી, અને ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાનું કાર્ય આરંભ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org