Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭૮ ]
ઈતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. પ્રકારનાં હાથ-કુહાડી અને “કલીવર્સ” જેવામાં આવે છે, એટલે ગુજરાતના આદિમાનવને શરૂઆતથી જ આવાં બંને પ્રકારનાં હથિયાર બનાવવાની કળા હસ્તગત હતી એમ માનવું રહ્યું. આવાં સુંદર સુપ્રમાણ હાથ-કુહાડી અને “કલીવર્સ” પુરાવસ્તુવિદ્યાની પારિભાષિક ભાષામાં “મધ્ય પ્લીટોસીન” યુગના અંતમાં કે “ઉપલા હીસ્ટોસીન” યુગની શરૂઆતમાં પશ્ચિમ યુરોપ અને આફ્રિકામાં પ્રાપ્ત થયાં છે અને આવી સ્થિતિ લગભગ સમગ્ર ભારતમાં જોવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે પૃથ્વીતલ ઉપરના આદિમાનવની સરખામણીમાં ભારત કે ગુજરાતનો આદિમાનવ સૌથી જૂનો નહોતે. જે કાંઈ થોડી કિરણોત્સર્ગ–ક્રિયા(Carbon-14) પદ્ધતિ પ્રમાણે સમયાંકન આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં નક્કી થયાં છે તે જોતાં આવાં હથિયાર બનાવતો માનવ ગુજરાતમાં આજથી ૫૦,૦૦૦-૧,૦૦,૦૦૦ વર્ષો પૂર્વે વસતા હશે.
ગુજરાતના આદિ-માનવ અને આફ્રિકા
આમ હોવાથી એટલું પણ સંભવિત છે કે ગુજરાતને આદિમાનવ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હોય છે કારણ કે આ ખંડમાં ત્રણ સ્થળોએ, અને ખાસ કરીને “ હુવાઈ ગર્જ(Olduvai Gorge)માં માનવનાં શરીર અને એનાં હથિયારોની ઉત્ક્રાંતિને ત્યાંના બદલાતા સ્તરે સાથે સરખાવી શકાય છે, એટલે ઉત્ક્રાંતિની દષ્ટિએ આ એક આદર્શ સ્થળ છે.
અહીં આફ્રિકા અને ગુજરાત વચ્ચેના સંબંધની જે શક્યતાને નિર્દેશ કર્યો છે તેને માટે આજથી થોડાક સમય પૂર્વે સહેજ પણ પુરાવો નહોતે, પરંતુ સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને પીંડારા (જિ. જામનગર) પાસે પ્રાપ્ત થયેલાં “કલીવર્સ” અને કચ્છમાં નખત્રાણા પાસે ભૂખી નદીમાંથી મળેલાં હથિયારો પરથી એ સંભવિત જણાયું છે કે જ્યારે આફ્રિકા અને કચ્છ-સૌરાષ્ટ્ર વચ્ચે જમીનનો માર્ગ હતો કે સમુદ્રની સપાટી બહુ નીચે ગઈ ન હતી ત્યારે માનવ સહેલાઈથી ભારતમાં કચ્છ-સૌરાષ્ટ્ર દ્વારા પ્રવેશ્યા હોય.
એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીં એક શક્યતાનો જ ઉલ્લેખ કર્યો છે. જેની ભવિષ્યના સંશોધકોએ વધારે અને જાત જાતના અભ્યાસથી ચકાસણી કરવી જોઈએ. ગુજરાતનો કે ભારતનો આદિમાનવ કેવો હતો એ જાણવાને આપણી પાસે અત્યારે એના દેહાવશેષોની કોઈ સામગ્રી નથી.