________________
ગ્રંથકાર ચરિત્રાવલી
જે વિદ્વાન તરફથી સ્ત્રી કેળવણીને આશ્રય મળે તેજ ધનવાન પુરૂષો તરફથી પણ મળવા લાગ્યો. એક વખત ઇનામ વહેંચવાનો મેળાવડો શેઠ રામદાસ હીરાશાના રહેવાના ઘરમાં ગવર્નર સર બારટલ ફરેઅર અને તેમની સ્ત્રીના પ્રમુખપણ નીચે થયો એટલે શેઠ ઘણા રાજી થયા, અને નિશાળના ફંડમાંથી ઇનામ મળવાનાં હતાં તે સિવાય દરેક છોકરીને પોતાના પદરથી રેશમી સાડી ઉત્તેજન દાખલ આપી. એ સાડીની કિંમત આશરે દરેક નંગના રૂપીઆ દશથી બાર થતા હશે. એવી ભારે કીમતની સાડીઓ પચાસ છોકરીઓને વહેંચી હતી.
એવી રીતે સ્ત્રી કેળવણીને ટેકે મળવાથી બીજી એક નિશાળ કોટમાં કાઢવામાં આવી હતી.
આ ત્રણ સભાઓને આબાદ થતી જોઈ કેટલાક પારસી વિદ્યાર્થીઓએ એક બીજી મંડળી બહારકેટ દાદી શેઠની અગીઆરીમાં સ્થાપન કરી હતી. રસાયણશાસ્ત્રના કેટલાક પ્રયોગ કરવા સારૂ ઉઘરાણું કરીને ખાર, તેજાબ, ગ્યાસ કાઢવાનાં યંત્રો વગેરે ખરીદ કર્યા હતાં ને તેનું નામ વહેવાર ઉપયોગી જ્ઞાન પ્રસારક સભા રાખ્યું હતું. અને મને તેનો સરનશીન નિમ્યો હતો. આશરે દોહડ વરસ લગી તે સભા દાદી શેઠની અગીઆરીમાં મળતી હતી ને ત્યાં પ્રયોગ સાથે રસાયન શાસ્ત્ર સંબંધી હું ભાષણ આપતો હતો. કોઈ કઈ વાર મારા મિત્ર અરદેશર ફરામજી મુસ પણ ભાષણ આપતા. નવરજી દોરાબજી “ચાબુક” અઠવાડીક પત્રના અધીપતી પણ તેના સભાસદ હતા. મારી બદલી સુરતની અંગ્રેજી સ્કુલમાં થઈ ત્યાં લગી એ સભા ચાલી હતી. તેમાં પારસી સ્ત્રીઓ પણ આવતી હતી. આ સભા સ્થાપન કરવામાં મુખ્ય મારા મિત્ર ચીમનલાલ નંદલાલ હતા. તે સુરતના રહેવાશી માથુરી કાયસ્થ હતા. ગુજરાતી નિશાળના મહેતાજી હોવાથી ખાનગી ભણાવવા તે એ અગીઆરીમાં જતા હતા. તેમના બોધથી મી. અરદેશર વગેરે મુલ્લાં ફીરોજના વંશજોએ એ સભા સ્થાપના કરી હતી. અને તેનાં ચોપાની દરેક અઠવાડીએ ભાષણના સાર રૂપી હકીકતનાં છપાતાં હતાં, ને તે સભાસદોમાં વહેંચાતાં હતાં.
જ્યારથી હું મુંબઈમાં આવ્યો ત્યારથી પાછા સુરત આસીસ્ટંટના હોદ્દા પર ગયો ત્યાં સુધીના મારા માસ્તરનાં જે સરટીફીકેટ મળેલાં છે તે પરિશિષ્ટ ( )થી દાખલ છે.
. સુરતની સ્કુલના હેડમાસ્તર મરહુમ મી. હેનરી ગ્રીનનું આપેલું
સર્ટીફીકેટ.
૪૦