________________
ઉપયોગી બની રહેશે જ, પણ આવાં સ્થળોના ઇતિહાસ, સ્થાન અને મહત્ત્વમાં રસ ધરાવતા અન્ય નાગરિકો માટે પણ તે ઓછા મહત્ત્વનો નહિ બને.
મણિભાઈ ગિ. શાહ - એમ.જી.શાહ ને નામે જાણીતા છે - સુપ્રીમ કોર્ટ એડવોકેટ છે અને આપણા સામાજિક જીવનમાં રસ લેનાર ભાવનાભર્યા સજ્જન છે.
ઉપરાંત તેઓ અથાગ પ્રવાસી છે. તેઓ, પોતે જ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં જણાવે છે તેમ તેઓ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ગુહાટી સુધી ભ્રમણ કરીને આપણા ભારત દેશની ચારે દિશાઓમાં ઘૂમી વળ્યા છે. એમનાં એ ભ્રમણ દરમિયાન તેઓએ જાણવાં જેવાં ઘણાં બધાં ઐતિહાસિક સ્થળો અને કલાત્મક સ્થાપત્યો અને તેમાં વેરાયેલી શિલ્પકૃતિઓ નિહાળી છે.
એ ભ્રમણો દરમિયાન, સ્વાભાવિક અભ્યાસવૃત્તિને અંગે તે તે સ્થળોના ઇતિહાસ, કથાઓ અને કલાકૃતિઓ વિશે પણ તેમણે સારી જાણકારી મેળવી છે.
આ ગ્રંથમાં આવેલાં જૈન ધર્મનાં મહત્ત્વનાં જે તીર્થો વિશે તેમણે લખ્યું છે તેમાં તેમની એ બધીયે શક્તિનો વિનિયોગ થએલો વાચક જોઈ શકશે.
આ ગ્રંથ તો માત્ર પાશેરામાં પહેલી પૂણી જેવો જ છે. આ પછી તેઓ પોતાની પાસે પડેલી વિપુલ સામગ્રીનો અન્ય લખાણો પ્રસિદ્ધ કરીને યોગ્ય ઉપયોગ કરવાના જ છે, પણ આ ગ્રંથમાં પણ જૈનધર્મીઓ અને જૈન તીર્થસ્થળોમાં રસ લેનારા અન્યો માટે જે સામગ્રી જેવી રીતે પીરસી છે તેનું મૂલ્ય ઓછું નથી.
જૈનોમાં શત્રુંજય તીર્થનો ઘણો મોટો મહિમા છે. તો તે વિશે તેમણે સવિશેષ લંબાણથી, લખાણ કર્યું છે. તેથી ત્યાં જવા ઇચ્છનારા કોઇ પણ મનુષ્યને તે સ્થાનનો પૂરેપૂરો ખ્યાલ તો આવે જ, પણ સાથે સાથે તેની
મહત્તા પણ સમજાય.
મણિભાઈ શાહની લેખનશૈલી સાદીસીધી, કોઇ પણ જાતના આડંબર કે સાહિત્યિક દેખાવના વળગણ વિનાની છે. તેમને પૂરેપૂરો ખ્યાલ છે કે તેઓ માહિતી આપે છે. અલબત્ત તે, કથાઓ સાથે જોડાએલી રસપૂર્ણ ખરી જ, પણ છતાંયે માહિતી જ એટલે વાચકને એ સ્થળ વિશે જરૂરી સામગ્રી