________________
સમાધિની સુધાવૃષ્ટિ આપી છે. આત્માનો આમૂલચૂલ ઉદ્ધાર કર્યો છે.
જે વિશ્વને આપણે જોઈ રહ્યા છીએ, એ બહિરંગ વિશ્વ છે. એના વણઉકેલ્યા અગમ કોયડાઓના સમાધાન અંતરંગ વિશ્વમાં રહેલા છે. જ્યાં સુધી આત્માને અંતરંગ વિશ્વનું દર્શન ન થાય, ત્યાં સુધી એ છતી આંખે અંધ રહે છે, તીવ્ર બુદ્ધિ હોવા છતાં મૂર્ખ રહે છે. બહિર્દષ્ટિથી ઘટનાઓના અર્થઘટન અને વ્યક્તિઓના મૂલ્યાંકન કરે છે. અને પરિણામે ચિંતા, સંતાપ, કલહ, અશાંતિ, અસંતોષ, અનેક શારીરિક-માનસિક રોગોથી માંડીને આત્મઘાત અને દુર્ગતિ સુધીના ભયાનક ફળોને ભોગવે છે.
‘ઉપમિતિ’ કથા આત્માની અનાદિની અંધતાને દૂર કરે છે. જાણે એક દિવ્ય અંજન કરે છે અને આત્માને અંતરંગ વિશ્વનો સાક્ષાત્કાર થાય છે. એક બાજુ અનંત ગુણસમૃદ્ધિ દેખાય છે અને બીજી બાજુ અનંત દોષદાવાનળ દેખાય છે. અંતરંગ દોષોમાં સર્વ દુ:ખોના મૂળ દેખાય છે અને અંતરંગ ગુણોમાં સર્વ સુખોની પ્રાપકતા દેખાય છે. વિશ્વનો પ્રત્યેક જીવ વાસ્તવમાં શુદ્ધસ્વરૂપી છે. આત્મા અને પરમાત્મા વચ્ચે વાસ્તવમાં કોઈ જ ભેદ નથી. કુશળ શિલ્પી શિલામાં જ શિલ્પના દર્શન કરે છે, એ જ રીતે જ્ઞાનીઓ આત્મામાં જ પરમાત્માના દર્શન કરે છે.
એક પ્રદર્શન-હોલમાં લોકોના ટોળે ટોળા એક શિલ્પને ઘેરી વળ્યા, આબેહુબ ને જીવંત એ શિલ્પ. ‘અદ્ભુત...અદ્ભુત’ના ઉદ્ગારો સરી રહ્યા છે. બધા આફરીન આફરીન છે. એ સમયે ત્યાં આગમન થયું એના સર્જકનું. કોઈએ એમને ઓળખી કાઢ્યા. લોકોને જાણ કરી. અભિનંદનો વરસી રહ્યા છે. પણ શિલ્પીની સહજ નમ્રતા દાદ માંગી લે તેવી છે. એક કલારસિકે અત્યંત જિજ્ઞાસા સાથે પ્રશ્ન કર્યો “તમે આવું અદ્વિતીય સર્જન શી રીતે કરી શક્યા ?” શિલ્પીએ એ જ નમ્રતા સાથે જવાબ આપ્યો, “મેં સર્જન કર્યું જ નથી.” સહુના ચહેરા પર પ્રશ્નાર્થ તરવરી રહ્યો. શિલ્પીએ સ્પષ્ટતા કરી. “મેં તો માત્ર વિસર્જન કર્યું છે. મેં અવશેષનું વિસર્જન કરી દીધું. શિલ્પ સ્વયં પ્રગટ થઈ ગયું.’
-
અવશેષ દૂર થઈ જાય, તો શિલા એ જ શિલ્પ છે. દોષો દૂર થઈ જાય, તો આત્મા એ જ પરમાત્મા છે. જીવનનું સાર્થક્ય સર્જનમાં નહીં, વિસર્જનમાં છે. અજ્ઞાની સમગ્ર જીવન સંપત્તિ, સાધનો વગેરેના સર્જનમાં લગાડી દે છે ને અંતે બધું જ મૂકીને અસહાયપણે વિદાય લે છે, સાથે હોય છે માત્ર દોષો. ભયાનક દુઃખમય
१३