Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩૬ ]
[ અણગારનાં અજવાળા
અને પૂજ્યભાવ થતો હતો. એમના તપ અને ત્યાગ, જ્ઞાન નિષ્ઠા અને આત્મકલ્યાણની સર્વ કલ્યાણની ક્રાંતિકારક ભાવના, ઉપદેશશક્તિ અને સહિષ્ણુતા અજોડ હતી. એમના જ્ઞાનયજ્ઞનો, સેવાયજ્ઞનો, સાંપ્રદાયિક ઉદારતાનો, સહુ કોઈ લાભ લેતા હતા. એમની આવી વિરલ પ્રતિભાને લીધે જ બધા તેમના પ્રત્યે આકર્ષાતાં કાઠી દરબારો તથા નરેશોને પ્રતિબોધ આપી તેમને પોતાના તરફ આકર્ષ્યા હતા. જેતપુર દરબાર સ્વ. લક્ષ્મણવાળા સાહેબે જેતપુરમાં આવેલ પોતાના દરબાર-ગઢનાં મકાનને પૂ. શ્રીનાં ચરણોમાં જ્ઞાનયજ્ઞને પુષ્ટિ આપવા અર્પણ કરી દીધો હતો.
પીઠડિયા દરબાર શ્રી મુળુવાળા પૂ. તપસ્વીજીને પોતાને ત્યાં ચાતુર્માસ કરાવે, શ્રાવકો ધર્મકરણી કરવા સદાને માટે મકાન કાઢી આપે, ઉપાશ્રય બંધાવી આપે, ડિયાનરેશ બાવાવાળા અને હડાળાનરેશ શ્રી વાજસુરવાળા તથા બિલખાના દરબારો પણ તેમની ત્યાગ અને લોકકલ્યાણની માંગલ્યકારક પ્રવૃત્તિમાં ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા. આ રીતે જૈન અને જૈનેતરો તથા એ સમયના રાજવીઓનો એકસરખો પૂજ્યભાવ પ્રાપ્ત કરી શકનાર પૂ. માણેકચંદજી મહારાજ જૈન સમાજનું અમૂલ્ય રત્ન છે.
પૂ. તપસ્વીજીનો સંથારો-સમાધિમરણનો પ્રસંગ અદ્ભૂત હતો. જૈન શાસ્ત્રમાં સંલેખનાપૂર્વકના મૃત્યુને પંડિતમરણ કહ્યું છે. પૂ. શ્રીએ ૧૯૭૭નું ચોમાસું ગોંડલ પૂર્ણ કરી, વિહાર કર્યો, નાદુરસ્ત તબિયત હતી તેથી તોરી, વડિયા, થાણાગાલોલ થઈ થાણા ગાલોલથી ડોળીમાં જેતપુર પહોંચી ગયા. સં. ૧૯૭૮નું ચાતુર્માસ જેતપુર કર્યું. તબિયત વધારે બગડવા લાગી તેથી સં. ૧૯૭૯ કારતક વદ ૧૧।। ના રોજ સંથારાના પચ્ચખાણ કર્યા. પૂ. શ્રીના સંથારાના સમાચાર વાયુવેગે આખા દેશમાં પહોંચી ગયા અને વિશાળ માનવમહેરામણ એમનાં દર્શન માટે ઊમટ્યો. સાધુ-સાધ્વી સમુદાય જ નહીં, રાજા રજવાડાઓ, અમલદાર વર્ગ, હિંદુ-મુસ્લિમ, ભાઈ–બહેનો, જૈન શ્રાવક-શ્રાવિકાઓ તપસ્વીશ્રીનાં દર્શન કરવા વખતોવખત આવવા લાગ્યાં. ૧૯ દિવસનો આ સંથારો જેતપુર માટે નહીં સમસ્ત જૈન સમાજ માટે જ નહીં, સહુ કોઈ માટે ધન્ય ધર્મ અવસર બની ગયો. સંવત ૧૯૭૯ માગસર સુદ ૧૫ને રવિવારે સંથારો સીજી ગયો.