Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૦૦ ]
[ અણગારનાં અજવાળા ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્યવિરચિત “શ્રી આચારાંગસૂત્રવૃત્તિ' નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા, પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંઘજીને ભય પેઠો કે રખેને આત્મારામજી જેવા તેજસ્વી મહારાજ બૂટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય. એટલે એમને અટકાવવા તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહીં, તે સમયે ખળભળાટ તો ચારે બાજુ ચાલતો હતો અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી.
પોતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પોતે ધર્મ-જીવન જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ ત્યારપછી બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બૂટેરાયજી મહારાજને તથા મૂળચંદજી મહારાજને મળ્યા અને પોતાની સંવેગ પક્ષની દીક્ષા ધારણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ વર્ષના દીક્ષા પર્યાય પછી એમણે મૂળચંદજી મહારાજના કહેવાથી ફરીથી સંવેગ પક્ષની દીક્ષા બૂટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન
ઐતિહાસિક ઘટના બની. સ્થાનકવાસી સંપ્રદાયમાં એમની પવિત્રતા અને તેજસ્વિતાને કારણે એમને ગુરુ ગૌતમસ્વામીના અવતાર તરીકેનું માન અને સ્થાન મળ્યું હતું છતાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમાં એમની અપૂર્વ ત્યાગભાવના નિહાળી શકાય છે.
વિ.સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ