Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૧૭૮ ]
[ અણગારનાં અજવાળા
અટકાવી તેના આત્માને જ્યોતિર્મય ભોમકા તરફની કેડીએ પગલી માંડતો કરી
દે છે.
જન્મ, લગ્ન અને વૈધવ્ય : આવી જ વાતની ઝાંખી કરાવતી મફતની આ વાત છે. અવિકસિત એવા બનાસકાંઠાના પૂર્ણ વિકસિત નગર એવા પાલનપુરમાં માતા દિવાળીબાઈની કૂખે અને પિતાશ્રી તળશીભાઈ ઝૂમચંદના કુળમાં મફત (પૂ.શ્રી વસુમતીબાઈ)નો જન્મ થયો હતો. પાલનપુર નગરે ઝવેરીઓની શ્રીમંતાઈની સાથે ત્યાગી સંતપુરુષોની–સતીરત્નોની ભેટ પણ જૈન સમાજને આપી છે. વર્ષો પહેલાંના નવાબીકાળના એ સમયમાં બાળલગ્નો કરવામાં આવતાં. તેમ મતબહેનનાં ચૌદ–પંદર વર્ષની ઉંમરે તે જ ગામમાં પીતાંબરભાઈ ઈશ્વરભાઈના સુપુત્ર દામાજી સાથે લગ્ન થયાં અને લગ્નને નવેક માસ પસાર થયા ન થયા ત્યાં તો દામાજીનું અવસાન થયું. “ભલું થયું ભાંગી જંજાળ.....સુખે.....” શું ખરે જ એવું બન્યું?
માર્ગ પલટાયો : ખરે જ! એવું બન્યું ભાવિના ભૂગર્ભમાં શું છુપાયું છે તેની શું ખબર પડે! વૈધવ્યજીવનના આ નિમિત્તે મફતબહેનનો માર્ગ સમગ્રતયા પલટાવી નાખ્યો. તેમના મામાજીની દીકરી પૂ.શ્રી કેસરબાઈ મ.સ.ના સત્સંગે તેમની ઝળાંહળાં થતી સમ્યગ્ જ્ઞાનમાર્ગની આભાઓ મફતબહેનના માનસપટ ઉપર ઝળહળ થવા લાગી. શાળાનું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરતાં ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી પુરુષોત્તમભાઈ મ.સા. પાસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. દરિયાપુરી સંપ્રદાયના પૂ.શ્રી ઝબકબાઈ મ.સ. તેમ જ પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ના સાન્નિધ્યમાં આગમનો અભ્યાસ કર્યો અને મફતબહેનની દીક્ષા માટેની દિવ્ય ભાવના પ્રગટ થતાં વિ.સં. ૧૯૯૫માં મહા સુદ દશમ, ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરીના દિવસે દીક્ષા લઈ મફત-બહેનમાંથી તેઓ પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. બન્યાં.
પૂ.શ્રી સદ્ગુરુણીના પ્રભાવે પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. શાસ્ત્રજ્ઞાનના ઊંડા અભ્યાસી બની ગયાં અને દીક્ષા પછીના પ્રથમ દિવસથી જ તેઓએ પ્રતિભાશાળી પ્રવચનકાર બની કાંઈક જીવોને પ્રતિબોધ પમાડ્યો. કંઈક સુષુપ્ત આત્માઓને ઢંઢોળી જાગૃત કરી તેમને તપ, ત્યાગ અને સંયમ માર્ગે જવા પ્રેર્યા.