Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૮૭ અને તેમની આંખો પૂ. શ્રી ગુરુજીનાં દર્શન માટે તલસતી હતી. તે સમાચાર સાંભળી પૂ. શ્રી ગુરુદેવ ઉગ્ર વિહાર કરી વડોદરા આવ્યા. તેમને પ્રાપ્ત થયેલા બીજા સંકેત અનુસાર પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની ઇચ્છા અમદાવાદ જવાની હતી તો પૂ. શ્રીને શાતા રહે તે માટે લારીમાં સૂતાં સૂતાં લઈ જઈ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
ત્યાં લારી ચલાવનાર બહેનના હાથમાંથી લારી છૂટી ગઈ અને મહીસાગરની કોતરોમાં જઈ ખાબકી. જેને હજાર હાથવાળો બચાવવાવાળો બેઠો હોય ત્યાં કશું ન થાય. જીવનદાન મળી જાય. હજારો કાંટાઓની વચમાં પડેલા પૂ. શ્રીને શ્રી મોહનભાઈ તે કોતરમાં કૂદીને પૂ. શ્રીને પકડીને બહાર લઈ આવ્યા. અસંખ્ય કાંટાઓની વેદના અને ઉઝરડાના ઉપસર્ગો સામે તેઓએ સમતાભાવે ઊભાં રહી ધર્મની ગરવી ગરિમાને ઝળકાવી.
છેવટે શાહપુર પહોંચ્યાં. ઓલવાતો દીપક વધુ પ્રકાશિત થતો હતો. પૂ. શ્રીની તબિયત ક્યારેક સારી લાગતી, પણ બધું છેતરામણું હતું. ત્રણ-ચાર ડિગ્રી તાવ હોવા છતાં સમતાભાવે સહન કરી જડ-ચેતનનાં ભેદજ્ઞાન સાથે પોતે સભાન અવસ્થામાં મૌન રહી આત્મધ્યાનમાં લીન બની ગયાં. પોતાને જીવલેણ રોગ ટી.બી. થયો હતો, અલ્સર દેખાયું, ખોરાક બંધ થયો હતો, ઊલટીઓ થતી તે બધું જ પોતાને ખબર હોવા છતાં વેદનાને વહાલથી ભેટતા. પોતે જિંદગી જીવી ગયાં, વેદનાને વહાલથી જીરવી ગયાં અને મૃત્યુને જીતી ગયાં.
સં. ૨૦૧૩ના જેઠ સુદ અગિયારસ, ૮-૩૫ મિનિટે સોમવાર તા. ૧૬-૬-૯૭ના રોજ પાર્થિવ દેહ છોડી અંતિમ પ્રયાણે ગયાં. તે સમયે તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. સંયમપર્યાય ૫૯ વર્ષનો હતો તેઓશ્રી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સંયમપર્યાયે અનુભવવૃદ્ધ હતાં.
તેમના ઉપદેશ : (૧) વિરોધીઓને ક્ષમા આપવી, તેમની પ્રત્યે ખાર કે ખુસથી વર્તવું નહીં. (૨) આપણે કરેલા નાના-મોટા ઉપકારને ભૂલી જવા. (૩) મૃત્યુ નિશ્ચિત છે તો જીવન સુધારીને જ નવો જન્મ સુધારી શકાય છે. (૪) કોઈ વ્યક્તિ તમારું કશું બગાડી શકતી નથી. પોતાનાં જ શુભઅશુભ કર્મથી બગડે છે કે સુધરે છે માટે જે જેવું કરે તેવું જ પામે.
આ છે અણગાર અમારા....આપને અમારાં અગણિત વંદન હો!